Not Set/ 22 ઓક્ટોબરથી 5 જાન્યુઆરી-2022 વચ્ચે 56 સેવાઓ માટે રાજ્યમાં યોજાશે 2500 સેવાસેતુ કાર્યક્રમ

સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-09 થી સાંજે 05 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. કાર્યક્રમમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.

Top Stories Gujarat
sevasetu programme

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે.  રાજ્યમાં આ અંતર્ગત તા. 22 ઓકટોબર-2021 થી 5 જાન્યુઆરી-2022 સુધીમાં 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-09 થી સાંજે 05 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. કાર્યક્રમમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.

સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ 06 થી 08 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં 04 થી 10 સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં 4 થી 5 વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં 2 થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.  સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ  ગણાવ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.  મુખ્યમંત્રીએ આ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.

ખાસ નોંધવું રહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓના આયોજનથી 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.