Dharm & Bhakti: આ વર્ષે આવતી કાલે એટલે કે, 6 ઓક્ટોબરે (6 October) શરદ પૂર્ણિમા (Sharad Purnima, 2025)નો તહેવાર મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે, શરદ પૂનમની રાત્રે ચંદ્રમા (Moon) ધરતીની સૌથી નજીક હોય છે. શરદ પૂર્ણિમા વ્રતનો પણ ધાર્મિક દ્રષ્ટિએ અનેરો મહિમા રહેલો છે. એવું કહેવાય છે કે, આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીનું અવતરણ થયું હતુ. આથી ભારતીય જનમાનસમાં એવો દ્રઢ વિશ્વાસ છે કે, આ દિવસે વ્રત અને પૂજા-આરાધના કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે.
શું કહે છે નારદ પુરાણ?
નારદ પુરાણ (Narad Puran)અનુસાર, શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે માતા લક્ષ્મી (Mata Lakshmi) એમના વાહન ઘુવડ (Owl) પર સવાર થઇને પૃથ્વી પર ભ્રમણ કરે છે. આથી જ આ દિવસે લક્ષ્મી માતાની વિશેષ આરાધના કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. એવું કહેવાય છે કે, આ દિવસે જે ભક્તજનો માતાનું સાચા હૃદયથી સ્વાગત કરે છે એમને એ ધન-સંપત્તિ, યશ તથા વૈભવ ( Prosperity, Fame) પ્રદાન કરે છે. આથી જ શરદપૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો (Lamp) પ્રગટાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું જોઇએ.

માતા લક્ષ્મીનો અવતરણ દિવસ
શરદ પૂર્ણિમાની રાત્રે જ, દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથન (Samudra Manthan)માંથી માતા લક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતુ. આ જ કારણથી, શરદ પૂનમના દિવસને લક્ષ્મી પૂજન (Lakshmi Pujan) માટે અત્યંત વિશેષ માનવામાં આવે છે. ભારતમા ઘણા સ્થળોએ આ દિવસે કુંવારી કન્યાઓ સૂર્ય અને ચંદ્ર દેવનું પૂજન કરે છે અને એમના આશિષ મેળવવા પ્રાર્થના કરે છે.

ખીરને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં રાખવાનું મહત્વ
શરદ પૂર્ણિમાના દિવસે આકાશની નીચે ચાળણી ઢાંકીને ખીર (Kheer) મૂકવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, શરદપૂનમની રાત્રે ચંદ્રમાના કિરણો દ્વારા અમૃત વર્ષા થાય છે. આથી ચંદ્રોદય બાદ, એમની છાયામાં ખીર રાખવાથી એમાં અનોખા ગુણ સમાવિષ્ટ થઇ જાય છે. આખી રાત ખીર મૂકીને બીજા દિવસે સવારે એને આરોગવામાં આવે છે. એવું કહે છે કે ચાંદનીમાં રાખેલી ખીર ખાવાથી મનુષ્યનો ભાગ્યોદય થાય છે અને ઘર-પરિવાર રોગો (Diseases) અને અન્ય વ્યાધિઓથી મુક્ત થાય છે. આ દિવસે, સાંજથી રાત સુધી ચાંદનીમાં રાખેલા દૂધ-પૌંઆ (Doodh-Poha) ખાવાનો પણ રિવાજ છે.

શરદ પૂનમની રઢિયાળી રાત
શાસ્ત્રોક્ત રીતે, શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણે (Krishna) વૃંદાવનમાં ગોપીઓ સાથે અલૌકિક અને દિવ્ય મહારાસનું આયોજન કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, આ દિવસે તમામ ગોપીઓની સંગાથે એકસાથે નૃત્ય કરવા માટે શ્રી કૃષ્ણે અનેક રુપો ધારણ કર્યા હતા. આ દિવ્ય મહા રાસલીલા (Raas-Leela)ને કેવળ નૃત્ય જ નહિં પરંતુ, પ્રેમ, પરમાનંદ અને ભક્તિનું અનોખું પ્રતીક માનવામાં આવે છે. આથી નવરાત્રિ બાદ, શરદ પૂનમે રાસ અને ગરબા (Garba)નું આયોજન કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
