Relationship: ઘણા બધા લોકો એવા છે કે, ચાની ચૂસકી લીધા વિના એમની સવાર જ નથી પડતી! ગરમાગરમ ચા ગટગટાવ્યા પછી જ એમની કિક વાગે છે અને કામ કરવાનું મન થાય છે! આવા સંજોગોમાં, માતા-પિતા પોતે ચા પીવા બેસે ત્યારે પાસે બેઠેલા બાળકને પણ બિસ્કીટ અથવા અન્ય નાસ્તા સાથે ચા ભરેલો કપ પકડાવી દે છે. પરંતુ શું બાળકોના સ્વાસ્થ્ય માટે ચા સારી છે ખરી? બાળકોને ચા પીવડાવતા પહેલા, એમના સ્વાસ્થ્ય પર ચાની શી અસરો થાય છે એ અંગે તબીબી નિષ્ણાતોની આ સલાહ દરેક વાલીએ જરુરથી સાંભળવી જોઇએ.
બાળકોને ચા આપવી કે નહિ
નિષ્ણાંતોના મતે બાળકોને ચા ન આપવી જોઇએ. 10-12 કિલો વજન ધરાવતા નાના બાળકોને એક કપ ચા પીવડાવશો, તો એ ખાવાનું બિલકુલ નહિ ખાય. જો બાળક બિસ્કીટ અથવા નમકીન ખાઇ લેશે, તો દાળ-ભાત નહિ ખાય! એવામાં બાળકને સવાર-સાંજ ચા પીવડાવવાની ટેવ પાડશો તો બાળકની ભૂખ મરી જશે.
બાળકને ચાની ટેવ પાડવાથી તે દાળ, ફળ, શાકભાજી વગેરે નથી ખાતું. પરિણામસ્વરુપ, તેના શરીરમાં જરુરી પોષક તત્વોની કમી થવા લાગે છે. આથી બાળકનું વજન પણ ઓછું રહે છે. આ ઉપરાંત, પૌષ્ટિક ભોજન પેટમાં ન જવાને લીધે તે એનિમિયાનો શિકાર પણ થઇ શકે છે અથવા તો અવારનવાર બીમાર પડે છે.
આ તકલીફો થઇ શકે છે!
બાળકને ચા પીવડાવવાથી તેના શરીરમાં પાણીની કમી સર્જાઇ શકે છે. આ ડિહાઇડ્રેશન (Dehydration) કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.
કેફીનના સેવનથી બાળકની ઊંઘ ખરાબ થાય છે. જો તમે બાળકને થોડીઘણી ચા કે કૉફી પીવડાવતા હો તો એ બાબતનું ધ્યાન રાખવું કે એને દિવસ દરમિયાન, સમયાંતરે પાણી પણ પીવડાવતા રહો.
વળી ફક્ત ચા પીવડાવવાથી બાળકને કોઇ પણ પ્રકારના પોષક તત્વો મળતા નથી. એટલા જ માટે બાળકનું પેટ ચાથી ભરવાને બદલે તેને પૌષ્ટિક નાસ્તો ખવડાવો.
જે પ્રમાણે, પુખ્ત વયના લોકો ચા પીવાની લતનો શિકાર બનતા હોય છે એ જ રીતે, બાળકોને પણ ચાનું વ્યસન થઇ શકે છે. ચા પીવાની આદતને એક પ્રકારનો નશો જ કહી શકાય! એવામાં બાળકોને નિ:શંકપણે, ચાના વળગણથી દૂર રાખવા જોઇએ.
આ પણ વાંચો:2025માં નાગ પંચમી શ્રાવણ મહિનાની કઈ તિથિએ ઉજવાશે? જાણો પૂજા મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો:2025 શ્રાવણ મહિનાની કામિકા એકાદશી ક્યારે છે? શુભ મુહૂર્ત અને મહત્વ જાણો
આ પણ વાંચો:શ્રાવણ માસમાં અવશ્ય લેવા આ 5 પ્રણ, ભગવાન શિવ કરશે જીવનનો ઉદ્ઘાર
