Sports News : ભારતીય ક્રિકેટ ટીમની મજબૂત બેટિંગ લાઇન-અપ માટે ઓળખાતા શ્રેયસ ઐયર (Shreyas Iyer) લાંબા સમયની ઈજા બાદ ફરી એકવાર મેદાનમાં પરત ફર્યા છે. વિજય હજારે ટ્રોફીના બાકીના મુકાબલાઓ માટે મુંબઈ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ હવે શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને સોંપવામાં આવી છે. નિયમિત કેપ્ટન શાર્દુલ ઠાકુર માથાની ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.
Shreyas Iyer ને બાકીની મેચો માટે કેપ્ટન બનાવવાનો નિર્ણય
મુંબઈના મુખ્ય પસંદગીકાર સંજય પાટીલે માહિતી આપતાં જણાવ્યું હતું કે શાર્દુલને માથામાં ઈજા થઈ છે અને ડોક્ટરોએ તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને બાકીની મેચો માટે કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ટીમ પાસે શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ જેવા અનુભવી અને ફોર્મમાં રહેલા ખેલાડીઓ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે શ્રેયસ ઐયર (Shreyas Iyer) ગયા ઓક્ટોબરમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન બરોળમાં ઈજા અને આંતરિક રક્તસ્ત્રાવના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. ઈજામાંથી સાજો થયા બાદ હવે તે ફરી ફિટનેસ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. ઉમેશ ખાનવિલકરે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત શાર્દુલ ઠાકુર ટુર્નામેન્ટ માટે પસંદગીમાં ઉપલબ્ધ નથી અને તેની જગ્યાએ શ્રેયસ ઐયર (Shreyas Iyer) ટીમની કેપ્ટનશીપ સંભાળશે. ઐયર મંગળવારે હિમાચલ સામેની મેચમાં તથા ત્યારબાદ 8 જાન્યુઆરીએ પંજાબ સામેની ગ્રુપ-સી મેચમાં મુંબઈનું નેતૃત્વ કરશે.
આ સાથે, 11 જાન્યુઆરીથી વડોદરામાં શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઉપ-કપ્તાન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જોકે, તેની રમવાની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર આધારિત રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની બાકી બે વનડે મેચો 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં યોજાવાની છે.
