વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનોઓમાની એક “સ્કિલ ઇન્ડિયા” માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. સ્કિલ ઇન્ડિયાના ભાગરૂપે યુવાનોને રોજગારી આપવાનાં તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. બિહારના છપરામાં સ્કિલ ઇન્ડિયા અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ૧૫૦૦૦ થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ રોજગાર મેળામાં બે દિવસ દરમિયાન ફક્ત ૨૦ ને રોજગારી મળતા દાવાઓ ફ્લોપ સાબિત થયા છે.
રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ‘આવનારા દિવસોમાં બિહારના યુવાનો જાપાન જશે, કારણ કે જાપાનના લોકો વૃદ્ધ થઈ રહ્યા છે અને તેઓ કામ કરી શકતા નથી. આ અરસામાં કૃષિ, ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ અને હેલ્થ સેક્ટરમાં કામ કરતા લોકો ત્યાં નથી. તેથી બિહારી યુવાનોએ જાપાનમાં કામ કરવા માટે ફક્ત જાપાની ભાષા જ શીખવા પડશે. ટૂંક જ સમયમાં પટણા, છપરા સહિત 2-3 સ્થળોએ જાપાનીઝ ભાષા શીખવા માટે કેન્દ્ર ખોલીશું.’
આ રોજગાર મેળામાં 120 અલગ અલગ કંપનીઓએ સ્ટોલ સ્થાપિત કર્યા હતા, જેમાં ફાર્માસિસ્ટ, પેથોલોજી, બ્યૂ્ટીશીયન, એસપીએ, સિક્યોરિટી ઇનચાર્જ, જેસીબી ડ્રાઈવર અને વિવિધ રોજગાર આપવાવાળી કંપનીઓ સામેલ હતી. આ રોજગાર મેળામાં આશરે 15000 જેટલા યુવાન પુરુષો અને સ્ત્રીઓ રજીસ્ટર થયા હતા. પરંતુ મેળામાં વિવિધ કંપનીઓમાં માત્ર 20 લોકોને નોકરી મળી છે.
