ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસનો ગઢ મનાતી બેઠક ઉપર પણ કોંગ્રેસ પોતાનું આધિપત્ય જમાવી શકી નથી. ત્યારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી ગુજરાત ભાજપને અભિનંદન પાઠવ્યા છે.
તેમને પોતાના ટ્વીટ માં લખ્યું છે ‘મેં કીધું હતું, ગુજરાતીઓને ના આજમાવો, આખરે, ચાની ચા અને પાણીનું પાણી કરી જ નાંખ્યું ગુજરાત ભાજપને અભિનંદન
મહાનગરપાલિકા બાદ જિલ્લાઓમાં પણ ભાજપે એવો તો ખેલ પાડ્યો કે અત્ર તત્ર સર્વત્ર કેસરિયો જ લહેરાયો છે. કોર્પોરેશન ગુમાવ્યા બાદ કોંગ્રેસને લાગતું હતું કે ગામડાનો મતદાર કોંગ્રેસને વફાદાર રહેશે. કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે 22 જિલ્લા પંચાયત બેઠકો પર બાજી મારી હતી જ્યારે ભાજપના ફાળે માત્ર 7 બેઠકો જ આવી હતી. જોકે આ વખતના પરિણામે કોંગ્રેસની આંતરિક લડાઇ અને સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવાની નિષ્ફળતા ફરીથી છતી કરી છે.