કોરોના/ કર્ણાટકની મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 182 MBBS વિધાર્થીઓ કોરોના સંક્રમિત

કર્ણાટકના ધારવાડમાં SDM મેડિકલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 182 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

Top Stories India

કર્ણાટકના ધારવાડમાં SDM મેડિકલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 182 MBBS વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. ગુરુવારે અહીં મેડિકલના 66 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યારબાદ બે હોસ્ટેલને સીલ કરી દેવામાં આવી હતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા કુલ 400 વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં લગભગ 300 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. અધિકારીઓને શંકા છે કે લગભગ એક અઠવાડિયા પહેલા આયોજિત વિદ્યાર્થી કાર્યક્રમ દરમિયાન ચેપ ફેલાયો હોઈ શકે છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એવું માનવામાં આવે છે કે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. કોરોના સંક્રમિત મળી આવેલા તમામ વિદ્યાર્થીઓ MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હોવાનું અને તેઓ અન્ય રાજ્યોના હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના સંબંધિત માહિતી મળતાની સાથે જ કોલેજે હોસ્ટેલને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી દીધી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત ફ્રેશર્સ પાર્ટીના કારણે ચેપ ફેલાયો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓમાં હળવા લક્ષણો છે અને તેઓ કોલેજ કેમ્પસમાં સ્થિત તેમની હોસ્ટેલમાં સારવાર હેઠળ છે. જે વિદ્યાર્થીઓ કોવિડ સ્ક્રીનીંગ પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમને બીજા બ્લોકમાં રાખવામાં આવ્યા છે. આજે કોલેજના વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે, કોલેજ પ્રશાસને શારીરિક વર્ગો હાલ માટે મુલતવી રાખ્યા છે.