Kutch News: Social Media પર ખોટી જાહેરાતો મૂકી લોકોની મહેનતની કમાણી હડપ કરવાની કોશિશ કરતા એક શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતાં સાયબર છેતરપિંડીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Facebookમાં બનાવટી આઈ.ડી. બનાવી “એક લાખ આપો અને પાંચ લાખ મેળવો” જેવી લોભામણી ઓફરો તેમજ બજારભાવ કરતાં ખૂબ સસ્તુ સોનું આપવાની જાહેરાતો વાયરલ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાતો હતો. પોલીસે સમયસર કાર્યવાહી કરતા આરોપી સુધી પહોંચી આખી હકીકત બહાર લાવી છે.

Social Media પર સ્કેમ કરનાર કૌભાંડી Kutchમાં પકડાયો
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં સસ્તા સોનાની લાલચ, નોટો ડબલ કરવાની સ્કીમો અને સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલના નેતૃત્વમાં ટીમ સતત નજર રાખી રહી હતી.
તપાસ દરમિયાન એલસીબીના એએસઆઈ સુનિલભાઈ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ભુજના ગાંધીનગરી વિસ્તારમાં રહેતો એક યુવક લેકવ્યુ હોટેલ ત્રણ રસ્તા નજીક પોતાની ટુ-વ્હીલર સાથે હાજર છે અને મોબાઈલ ફોન મારફતે સોશિયલ મીડિયા પર ખોટી આઈ.ડી. ચલાવી લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કચ્છ પોલીસની ત્વરિત કામગીરી
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી સમીર અલીમામદ પડયાર નામનો યુવક ઝડપાઈ આવ્યો હતો. તેની પાસે રહેલા મોબાઈલ ફોનની તપાસ કરતા “Bharat Jain” નામથી બનાવેલી ફેસબુક આઈ.ડી. મળી આવી હતી. આ એકાઉન્ટમાં મોટી રકમને ટૂંકા સમયમાં અનેકગણી કરી આપવાની ઓફરો, સસ્તુ સોનું વેચવાની જાહેરાતો અને લોકોને આકર્ષે એવા ફોટા તથા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયા મારફતે લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે આર્થિક છેતરપિંડી કરવાનો તેનો ઈરાદો હતો. ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમોમાં લોભામણી જાહેરાતો મૂકી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે.

Social Mediaની લોભામણી જાહેરાતથી ચેતો
આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4), 319(2) અને 62 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આરોપીના કબ્જામાંથી એક મોબાઈલ ફોન અને એક એકસેસ ટુ-વ્હીલર કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર આવતી “પૈસા ડબલ”, “સસ્તુ સોનું” અથવા “ઝડપી કમાણી” જેવી લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહેવું જોઈએ. અજાણ્યા લોકોની વાતોમાં આવીને કોઈપણ પ્રકારની ઓનલાઈન લેવડદેવડ કરતા પહેલા તેની સાચી તપાસ કરવી અત્યંત જરૂરી છે.
