Ahmedabad News/ સોલા સિવિલમાં ગંભીર બીમારીમાં પણ દર્દી પાસે સ્ટ્રેચર ખેંચાવ્યું, સ્ટાફના ગેરવર્તનથી દર્દીએ અધવચ્ચે સારવાર છોડી

અમદાવાદની Sola Civil Hospitalમાં સ્ટાફની બેદરકારી સામે આવી. લીવરના દર્દી પાસે સ્ટ્રેચર ખેંચાવતા અને ગેરવર્તન કરતા દર્દીએ હોસ્પિટલ છોડી. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories Ahmedabad Gujarat
Sola Civil Hospital

Sola Civil Hospital Ahmedabad Negligence: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. લીવરની ગંભીર બીમારીથી પીડાતા એક દર્દીએ હોસ્પિટલના સ્ટાફ પર ગેરવર્તન અને બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. દર્દીનું કહેવું છે કે તેની હાલત નાજુક હોવા છતાં સ્ટાફે તેની પાસે ચાદર બદલાવી અને જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર કર્યો, જેનાથી કંટાળીને દર્દી ચાલુ સારવારે હોસ્પિટલ છોડીને જતો રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

બોટાદના લીવર સિરોસિસના દર્દી રાજકુમાર ઠાકર સોલા સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યા હતા, જ્યાં તેમને વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીનો ગંભીર આરોપ છે કે અતિશય નબળાઈ હોવા છતાં તેમણે પોતાનું સ્ટ્રેચર જાતે ખેંચીને વોર્ડ સુધી જવું પડ્યું હતું અને ત્યાં હાજર સ્ટાફ રિંકુબેન તથા ધારાબેન દ્વારા તેમની સાથે અત્યંત તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. બીમારીની હાલતમાં મદદ કરવાને બદલે તેમને પોતાનું ઓશિકું-ચાદર જાતે ઠીક કરવા દબાણ કરાયું હતું અને કડકડતી ઠંડીમાં ઓઢવા માટેની સામાન્ય ચાદર જેવી સુવિધા ન મળતા દર્દી લાચારી અનુભવી રહ્યા હતા.

Sola Civil Hospital

‘મને કંઈ પણ થશે તો જવાબદારી Sola Civil Hospitalની’

હોસ્પિટલના સ્ટાફના ત્રાસથી કંટાળીને રાજકુમાર ઠાકર સારવાર લીધા વગર જ હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, “મને લીવરની ગંભીર તકલીફ છે, છતાં રિંકુબેન મકવાણા નામના સ્ટાફે મારી સાથે ખૂબ જ ગેરવર્તન કર્યું છે. હવે જો મને રસ્તામાં કે ઘરે કંઈ પણ થશે, તો તેની જવાબદારી સોલા સિવિલ તંત્ર અને રિંકુબેનની રહેશે.”

તંત્ર મૌન, જવાબ આપવાનું ટાળ્યું

આ ઘટના બાદ જ્યારે હોસ્પિટલના સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે RMO ડો. દેવાંગ શાહ અને આસિસ્ટન્ટ RMO એ કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. વોર્ડમાં સ્ટાફની અછત હોવાનું બહાનું કાઢીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.


આ પણ વાંચો: મહેસાણાના કોલવડા ગામમાં ફૂડ પોઇઝનિંગના લીધે 33ને ઝાડા ઉલ્ટી

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચો: એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ