અમદાવાદ,
પૂણે ખાતે રમાયેલી ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો 43 રને પરાજય થયો હતો. જોકે કેપ્ટન King વિરાટ કોહલીએ સતત ત્રીજી સદી ફટકારીને ફરી એક વખત બધાનું દિલ જીતી લીધું હતું. કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની 38મી સદી ફટકારીને એક નહિ પણ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કેપ્ટન કિંગ કોહલી જે રીતે બેટિંગ કરીને અવનવા રેકોર્ડ કરી રહ્યો છે, તેને જોતા લાગે છે કે આગામી સમયમાં મોટાભાગના ક્રિકેટના બેટિંગ અંગે રેકોર્ડ તેના નામે હશે તેવું લાગી રહ્યું છે.
કેપ્ટન કિંગ કોહલીએ વન-ડેમાં સતત ત્રીજી સદી ફટકારી હતી. સતત ત્રણ સદી ફટકારનાર તે ભારતના પ્રથમ અને ક્રિકેટ વિશ્વનો 10મો બેટ્સમેન બની ગયા છે. શ્રીલંકાનો કુમાર સંગાકારા દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જે વનડેમાં સતત ચાર સદી ફટકારી ચૂક્યો છે. તેણે આ સિદ્ધિ વર્ષ 2015માં મેળવી હતી. હવે એ જોવું રસપ્રદ બની રહેશે કે, વિરાટ કોહલી શ્રીલંકન ખેલાડી કુમાર સંગાકારાના આ રેકોર્ડની બરાબરી કરી શકે છે કે નહીં.
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 62મી સદી છે. આ સાથે તે સૌથી વધારે સદી ફટકારવાના મામલે સાઉથ આફ્રિકાના જેક કાલિસના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આમ તે સદી ફટકારવાના મામલે ચોથા નંબરે પહોંચી ગયો છે. હવે તેની આગળ શ્રીલંકન ખેલાડી કુમાર સંગાકારા (63 સદી), ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગ (71 સદી) અને ભારતીય ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (100 સદી) જ છે. કોહલીએ આ સિદ્ધિ ફક્ત 349 ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે બીજા બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવવા માટે 500થી વધારે ઇનિંગ્સ રમી છે.
કેપ્ટન કિંગ કોહલીની વન-ડેમાં 59.90ની એવરેજ છે. વન-ડેમાં ઓછામાં ઓછા 5 હજાર રન બનાવનાર બેટ્સમેનોમાં તેની એવરેજ સૌથી વધારે છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના માઇકલ બેવન (53.6), સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સ (53.5) અને ભારતના કેપ્ટન ફૂલ એમ.એસ. ધોની (50.5)નો નંબર આવે છે.
વિરાટ કોહલીએ ડે-નાઇટ વન-ડેમાં 8000 રન પૂરા કર્યા ગયા છે. આવી સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો ત્રીજો બેટ્સમેન છે. તેના ઉપરાંત સચિન તેંડુલકર અને સંગાકારાએ આ સિદ્ધિ મેળવી છે.
વિરાટ કોહલીએ સદી ફટકારી હોય ત્યારે ભારતની ધરતી ઉપર પ્રથમ વખત ટીમ ઇન્ડિયાનો પરાજય થયો છે.
ભારતની ધરતી ઉપર વિરાટ કોહલીની આ સતત ચોથી સદી છે. તેના સિવાય આવી સિદ્ધિ એબી ડી વિલિયર્સે મેળવી છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સુકાની દ્વારા સૌથી વધારે સદી ફટકારવાના મામલે કેપ્ટન કોહલી બીજા નંબરે આવી ગયો છે. રિકી પોન્ટિંગ 41 સદી સાથે પ્રથમ સ્થાને છે. જયારે ગ્રીમ સ્મિથ અને વિરાટ કોહલી 33-33 સદી સાથે બીજા ક્રમે છે.
