માન્ચેસ્ટર,
આયર્લેન્ડ સામે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ મંગળવારથી ઇંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઈંગ્લેંડ સામે રમાનારી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચ માન્ચેસ્ટરમાં રમાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ રાત્રે ૧૦ વાગ્યે શરુ થશે.
હાલ ટી-૨૦ ફોર્મેટની વાત કરવામાં આવે તો, બંને ટીમો પાસે દિગ્ગજ ખેલાડીઓ છે અને સંતુલિત જણાઈ રહી છે ત્યારે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
The two Captains pose with the silverware ahead of the T20I series against England.#ENGvIND pic.twitter.com/fRwbOb6Lse
— BCCI (@BCCI) July 2, 2018
છેલ્લા ૧ વર્ષની રમત જોવામાં આવે તો કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ટ પ્રદર્શન કર્યું છે. હાલ ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર બેટ્સમેન રોહિત શર્મા, શિખર ધવન, એમ એસ ધોની, કે એલ રાહુલ જેવા ખેલાડીઓ છે.
જયારે યજમાન ઈંગ્લેંડની ટીમે પણ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં ૫-૦થી જીત મેળવી હતી, ત્યારે આ શ્રેણીમાં પણ તેઓ ભારતને ટક્કર આપી શકે છે. ઈંગ્લેંડની ટીમમાં પણ ઓપનર જેશન રોય, જોસ બટલર, બેન સ્ટોક્સ, કેપ્ટન ઇયાન મોર્ગન જેવા ખેલાડીઓ છે.
મહત્વનું છે કે, ભારતે હાલમાં આયર્લેન્ડ સામે રમાયેલી બે ટી-૨૦ મેચની શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી હતી.
બીજી બાજુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેંડ સામેની મેચમાં મેદાને ઉતરવાની સાથે ૮ રન બનાવીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.
ટી-૨૦ ક્રિકેટમાં વિરાટ કોહલી અત્યારસુધીમાં ૫૯ મેચોની ૫૫ ઇનિંગ્સમાં ૧૯૯૨ રન બનાવી ચુક્યા છે, ત્યારે આ મેચમાં માત્ર ૮ રન બનાવવાની સાથે જ આ ફોર્મેટમાં સૌથી ઝડપી ૨૦૦૦ રન કરનાર ખેલાડી બની શકે છે.
આં પહેલા બ્રેન્ડન મેક્કુલમે ૬૭ મેચોમાં ૬૬ ઇનિંગ્સમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી, જયારે માર્ટિન ગપ્ટીલે ૬૮ ઇનિંગ્સમાં ૨૦૦૦ રન બનાવ્યા હતા.
