નવી દિલ્હી,
ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઈટલીને 3-0થી હરાવીને મહિલા હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તેનો મુકાબલો આયર્લેન્ડ સામે થશે. વિજેતા ભારતીય ટીમ માટે લાલરેમસિયામી, નેહા ગોયલ અને વંદના કટારીયાએ ગોલ કર્યા.

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ ટૂર્નામેન્ટના આ નોકઆઉટ રાઉન્ડમાં શરુઆતમાં બન્ને ટીમોએ આક્રમક શરુઆત કરી હતી. પરંતુ દુનિયાની 10માં નંબરની ટીમ ભારતે 17માં નંબરની ઈટલી ટીમ વિરુદ્ધ પ્રથમ જ ક્વાર્ટરમાં સરસાઈ મેળવી લીધી. ભારતીય કેપ્ટન રાની રામપાલે મેચ પહેલા જણાવ્યુ હતું કે, તેમની ટીમ જીત માટે ઉતરશે. મેચમાં આ જોવા પણ મળ્યુ.
ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરની શરુઆતમાં જ 1-0ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી હતી. આ ગોલ 9મી મિનિટમાં મળેલ પેનલ્ટી કોર્નર પર લાલરેમસિયામી એ કર્યો. સ્ટાર ભારતીય ખેલાડીની ચતુરાઈ ભરેલ શોટને વિપક્ષી ગોલકિપર રોકી ન શકી. ત્યારબાદ હાફ ટાઈમ સુધી કોઈ ગોલ થઈ ન શક્યો.

જોકે, હાફ ટાઈમ પહેલા ઈટલીને ફ્રી હિટ મળી હતી, પરંતુ ટીમ તેનો ફાયદો ન ઉઠાવી શકી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે અંતિમ મિનિટોમાં બીજા ગોલ ફટકાર્યો. નેહા ગોયલે 45મી મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમની સરસાઈને ડબલ કરી દીધી. ઈટલીની ટીમ સમગ્ર મેચ દરમિયાન સંઘર્ષ કરતી નજરે પડી અને ભારત તરફથી વંદના કટારીયાએ 55મી મિનિટમાં ગોલ કરીને ભારતને 3-0થી ભવ્ય જીત અપાવી દીધી.
