કલકત્તા,
ભારતના પૂર્વ સ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે વર્ષ ૨૦૦૫ના ભારતીય ટીમના તત્કાલીન કોચ ગ્રેગ ચેપલ અંગે એક સ્ફોટક ખુલાસો કર્યો છે. સહેવાગે ગ્રેગ ચેપલ અંગે ખુલાસો કરતા જણાવ્યું, “૨૦૦૫ના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલી વિરુધ કોચ ગ્રેગ ચેપલનો ઈ-મેઈલ સૌથી પહેલા જોયો હતો”.
કલકત્તાના ફેનૈટિક સ્પોર્ટ્સ મ્યુઝિયમમાં બોરિયા મજુમદારના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં સહેવાગે જણાવ્યું, “ગ્રેગ ઈ-મેઇલ લખી રહ્યા હતા અને હું તેઓની બાજુમાં બેઠો હતો. આ દરમિયાન મેં જોયું હતું કે, તેઓ BCCIને કઈક લખી રહ્યા છે અને ત્યારબાદ આ અંગે દાદા (સૌરવ ગાંગુલી)ને કહ્યું હતું.
દાદાને જણાવતા તેઓએ કહ્યું હતું કે, “ગ્રેગ ચેપલ બીસીસીઆઈને લખી રહ્યા છે અને આ ખુબ ગંભીર મામલો છે”.
સહેવાગે જણાવ્યું, “જયારે હું વન-ડે રમતો હતો, ત્યારે લોકો કહેતા હતા કે હું ટેસ્ટ ક્રિકેટ રમી શકતો નથી. પરંતુ જયારે મે પ્રથમ સદી ફટકારી ત્યારે ગાંગુલીને ગળે લગાવ્યા હતા કારણ કે તેઓએ મને ટેસ્ટ ક્રિકેટમાં રમવા માટે મૌકો આપ્યો હતો. હું પોતાને સાબિત કરવા માંગતો હતો.
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલને મે, ૨૦૦૫માં ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક વર્ષ પછી જ તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીને હટાવવામાં આવ્યો હતો.
આ પહેલા ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની આત્મકથા “પ્લેઇંગ ઈટ માય વે”માં પણ ચેપલ અંગે લખ્યું હતું. જેમાં હરભજન સિંહે જણાવ્યું હતું કે, “ગ્રેગ ચેપલે ભારતીય ક્રિકેટને એટલી બધી હાનિ પહોચાડી છે કે, આ ક્ષતિમાંથી બહાર આવવા માટે કમ સે કમ ત્રણ વર્ષનો સમય લાગશે.
