નવી દિલ્હી,
ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે આગામી ૧૮ ઓગષ્ટથી લઇ ૨ સપ્ટેમ્બર સુધી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ ગેમ્સ માટે AFI દ્વારા તમામ દળોની પસંદગી કરવામાં આવી છે.
સિલેક્શન સમિતિ AFI દ્વારા એશિયન ગેમ્સમાં રમાનારી તમામ રમતો માટે કુલ ૨૩ પુરુષ અને ૨૮ મહિલા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. આ ખેલાડીઓમાં ગુજરાતના ડાંગ જિલ્લાની મહિલા એથ્લેટ્સ સરિતા ગાયકવાડનું એશિયન ગેમ્સની ૪ x ૪૦૦ મીટર વુમન રિલેની ટીમમાં સમાવેશ કરાયો છે.
સરિતા ગાયકવાડનું કેરિયર
ગુજરાતના ડાંગ જિલ્લામાંથી આવતી સરિતા ગાયકવાડે પોતાના કેરિયરની શરૂઆત ખો-ખોથી કરી હતી. જો કે ત્યારબાદ સરિતાએ તેના એથ્લેટ્સ તરીકેની કારકિર્દી ૨૦૧૨m ખેલ મહાકુંભથી કરી હતી.આ ખેલમાં તે પ્રથમ ૪ x ૪૦૦ રિલે દોડમાં પહેલા સ્થાને આવી હતી.
જો કે ત્યારબાદ ઇન્ટર યુનિવર્સીટી નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં વર્ષ ૨૦૧૪-૧૫માં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૫-૧૬માં સિલ્વર મેડલ અને ૨૦૧૬-૧૭માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નેશનલ લેવલ એથ્લેટ્સ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ એશિયન ચેમ્પિયનશીપની ૪૦૦ મીટર રેસમાં ભારતની અગુવાઈ કરી હતી.
જકાર્તામાં રમાનારી એશિયન ગેમ્સ પહેલા સરિતા ગાયકવાડે હાલમાં આ ગેમ્સના ટ્રાયલમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી, ત્યારે હવે તેઓની એશિયન ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
