નવી દિલ્હી,
ક્રિકેટની દુનિયામાં એવા ઘણા ખેલાડીઓ છે જે લાંબા સમય સુધી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને પોતાની ટીમને જીત અપાવવામાં સિંહ ફાળો આપ્યો છે. આ ખેલાડીઓમાં કેટલાક ખેલાડીઓ જે લાંબા સમય સુધી ટીમનો એક ભાગ રહ્યા છે તો કેટલાક પોતાના કેરિયર દરમિયાન ટીમમાંથી અંદર બહાર થયા છે.
આ ખેલાડીઓમાં ઉપમહાદ્વીપના પ્લેયરની વાત કરવામાં આવે તો એમાં પણ ઘણા ખેલાડીઓ છે જે લાંબો સમય ટીમનો ભાગ રહ્યા છે, પરંતુ હાલમાં ટીમની બહાર ચાલી રહ્યા છે. આ ખેલાડીઓમાં કેટલાક પ્લેયર છે જેઓ એશિયા કપ ૨૦૧૮ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી શકે છે.
આ ખેલાડીઓમાં ભારતના યુવરાજ સિંહ અને હરભજન સિંહ, પાકિસ્તાન તરફથી મોહમ્મદ હફીજ, શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા અને બાંગ્લાદેશના મશરફે મોર્તજાનો સમાવેશ થાય છે.
૧. યુવરાજ સિંહ :

યુવરાજ સિંહ ભારતના મહાન ખેલાડીઓમાં શામેલ છે. તેઓએ ૨૦૧૧ અને ૨૦૦૭માં ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સિંહ ફાળો ભજવ્યો હતો. જો કે યુવરાજ સિંહના ક્રિકેટ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે.
યુવરાજ સિંહ કેન્સર જેવી ભયંકર બીમારીમાંથી પસાર થઇ ચુક્યો છે, ત્યારબાદ પોતાની ફિટનેસ કાયમ ન રાખવાના કારણે ટીમમાંથી અંદર બહાર થઇ રહ્યો છે. ત્યારે ૩૬ વર્ષીય યુવરાજ સિંહનું આગામી એશિયા કપમાં રમવું પણ મુશ્કેલ જોવા મળી રહ્યું છે, ત્યારે તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે.
૨. લસિથ મલિંગા :

દુનિયાભરમાં પોતાના યોર્કર બોલ દ્વારા હેરાન કરનારા શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા પણ એવા ખેલાડીઓમાં શામેલ છે, જેઓ એશિયા કપ પછી ક્રિકેટને અલવિદા કહી શકે છે.
૩૪ વર્ષીય ઝડપી બોલર લસિથ મલિંગા છેલ્લા ૧૫ વર્ષથી પોતાની ટીમમાં અંદર બહાર થતા આવ્યા છે. વર્તમાન સમયમાં પણ સતત ઈજાગ્રસ્ત થવાના કારણે વધુ ક્રિકેટ રમી શક્યા નથી અને સતત ફિટનેસ સામે ઝઝૂમી રહેલા મલિંગાનું પણ આગામી એશિયા કપમાં રમવું મુશ્કેલ છે.
૩. હરભજન સિંહ :

ભારતીય ટીમના મહાન ઓફ સ્પિન બોલરોમાં શામેલ એવા હરભજન સિંહે બોલની સાથે પોતાના બેટ દ્વારા પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી બહાર ચાલી રહ્યા છે અને આગામી એશિયા કપમાં પણ તેઓનું સ્થાન શક્ય નથી.
હરભજન સિંહ IPLમાં નિયમિત ક્રિકેટનો ભાગ રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય ટીમમાં કુલદીપ યાદવ, આર. અશ્વિન આને યુજ્વેન્દ્ર ચહલના આવ્યા બાદ હવે ટીમમાં તેઓનો સમાવેશ થવું હવે મુશ્કેલ જોવા મળી રહ્યું છે.
૪. મોહમ્મદ હફીજ :

મોહમ્મદ હફીજ પાકિસ્તાનના ટોચના ઓલરાઉન્ડરમાં શામેલ છે. તેઓ નંબર ૧ ઓલરાઉન્ડરની સાથે સાથે લિમિટેડ ઓવરમાં નંબર ૧ બોલર પણ રહ્યો છે, પરંતુ આ દરમિયાનહફીજને ત્રણવાર અવૈધ બોલિંગ એક્શન માટે પણ icc દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે બોલિંગ પર પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો છે.
૩૭ વર્ષીય ખેલાડી હફીજ ૨૦૧૭માં પાકિસ્તાનને ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
૫. મશરફે મોર્તજા :

બાંગ્લાદેશના શાનદાર ઝડપી બોલરોમાં મશરફે મોર્તજાનો સમાવેશ થાય છે. પોતાની ઝડપી ગતિ અને બોલિંગ દ્વારા વારંવાર ખેલાડીઓને પરેશાન કર્યાં છે. એક કેપ્ટન તરીકે પણ મોર્તજાએ બાંગ્લાદેશની ટીમને ઉભી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઘુટણની ઈજા અને ઘટતી ફિટનેસને કારણે તેઓ પોતાના કેરિયરના અંત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે હવે આગામી એશિયા કપ બાદ મશરફે મોર્તજા ક્રિકેટને અલવિદા કહી શકે છે.
