Not Set/ હાલોલમાં એસ.ટી.ડેપો મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા

ઓપરેશનમાં ડેપો મેનેજર હેમંત પટેલ ડ્રાઈવર પાસેથી લાંચના ૧૦,૦૦૦/- રૂપિયા સ્વીકારતાની સાથે એ.સી.બી ટીમ દ્વારા ડેપો મેનેજરને ઝડપી પાડ્યા હતા.

Gujarat
લાંચ હાલોલમાં એસ.ટી.ડેપો મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા

હાલોલ સ્થિત ગોધરા ડિવિઝનના એસ.ટી.ડેપોના ડેપો મેનેજર દ્વારા એસ.ટી.ડ્રાઈવરને તેની નોકરી પર પરત રાખી તેનો જુનો રૂટ પરત આપવા માટે લાંચની માંગણી કરતા ડ્રાઈવરે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા આજરોજ ગોધરા એ.સી.બી શાખાના પોલીસ અધિકારીઓએ છટકું ગોઠવીને લાંચિયા ડેપો મેનેજર હેમંત પટેલને ડ્રાઈવર કર્મચારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડીને ડેપો મેનેજર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી અર્થે ગોધરા એ.સી બી. કચેરીએ લઈ જવામાં આવતા રાજય ના એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગોધરા ડિવિઝન હેઠળ આવેલ ભાવનગર એસ.ટી.ડેપોના ડ્રાઈવરને કોઈક કારણવશ નોકરી પરથી બરતરફ કર્યા બાદ તેને પરત નોકરી પર લઈને તેનો જુનો દાહોદ-સુરતનો રૂટ પરત આપવા માટે ડેપો મેનેજર હેમંત પટેલે તેની પાસેથી ૧૦,૦૦૦/- રૂપિયાની માંગણી કરેલ હતી.

જ્યારે ડ્રાઈવરની પરિસ્થિતિ ન હોવાથી તે મેનેજર આગળ ખુબ કરગર્યો હતો ને આખરે તેના ત્રાસથી થાકી જઈને ડ્રાઈવરે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી તેમનો સહારો લેતા બુધવારના રોજ જયારે ડેપો મેનેજર હાલોલ એસટી વર્કશોપ સંકુલમાં આવેલ તેના ક્વાર્ટર માં હતા ત્યારે એ.સી.બી.પી.આઈ.જે એમ.ડામોર. અને સયુંકત ટીમના દ્વારા ગોઠવવામાં આવેલા આ ગુપ્ત ઓપરેશનમાં ડેપો મેનેજર હેમંત પટેલ ડ્રાઈવર પાસેથી લાંચના ૧૦,૦૦૦/- રૂપિયા સ્વીકારતાની સાથે એ.સી.બી ટીમ દ્વારા ડેપો મેનેજરની લાંચના નાણાં સાથે ધરપકડ કરવામાં આવતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.

ડેપો મેનેજર હેમંત પટેલના લાંચિયા વહીવટથી હાલોલ એસ.ટી. ડેપોના ડ્રાઈવરો સહિત અન્ય કર્મચારીઓ પણ ત્રાસી ગયા હોવાનું હાલોલ એસ.ટી .ડેપોમાં ચર્ચાઈ રહ્યું હતું. હાલોલ એસટી ડેપોના ડેપો મેનેજર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા, જિલ્લા સહિત રાજ્યના એસ.ટી. વિભાગ માં ખળભળાટ મચી ગયો હતો.