જામનગર જિલ્લામાં આવેલી સિક્કા નગરપાલિકા ના પદાધિકારીઓની યોજાયેલી ચૂંટણીમાં બુધવારે ભાજપે કોંગ્રેસને પરાસ્ત કરતા, સત્તા સિંહાસન પર કબ્જો કર્યો છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતાં પણ સભ્યોની ગેરહાજરીના કારણે ભાજપને સત્તા કબ્જે કરવામાં સફળતા મળી હતી.
અઢી વર્ષના સમયગાળામાં જ કોંગ્રેસ પાર્ટી પોતાના સભ્યોને સાચવી ન શકતા, હવે મજબુર થઈને વિપક્ષમાં બેસવું પડશે. હાલ, જામનગર જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મહત્તમ સંસ્થાઓમાં પૂર્ણ બહુમતી હોવા છતાં પણ સભ્યોને સાચવી ન શકતા, સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.
વિવિધ નગરપાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પુરી થતા, ફરી પદાધિકારીઓની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસને મોટાભાગે પછડાટ ખાવાનો જ વારો આવ્યો છે. બુધવારે સિક્કા નગરપાલિકા ની પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ હતી. સભાગૃહમાં નિર્ધારિત સમયે અધિકારીઓની હાજરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂતકાળના ખરાબ અનુભવમાંથી બોધપાઠ ન લેતા, ચૂંટણી સમયે કોંગ્રેસ પાર્ટીના પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા. પરોક્ષ રીતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 12 અને કોંગ્રેસના 11 સભ્યો હાજર રહ્યા હતા. સાત વોર્ડ અને 28 સભ્યો ધરાવતી સિક્કા નગરપાલિકામાં ભાજપના 12 અને કોંગ્રેસના એક સભ્યે ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર શિવપુરી ગોસ્વામીને મત આપતા, કુલ 13 મતે ભાજપના ઉમેદવારનો પ્રમુખ પદે વિજય થયો હતો.
જયારે કોંગ્રેસ પાર્ટીના અગાઉના પ્રમુખ જુમાભાઈ હુંગળાને ફક્ત 10 મત જ મળતા, તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ કોંગ્રેસના એક સભ્ય ફરીદાબેન સલીમાએ ક્રોસ વોટિંગ કરતા ભાજપના કુલસુમબેન બેલાઈ 13 મત સાથે વિજયી ઘોષિત થયા હતા.
