Surat News: સુરતમાં સૈયદપુરા (Syedpura) પાસે ગણપતિ પંડાલ (Ganpatipandal) પર પથ્થરમારો (Stonepelting) થયો છે. મુસ્લિમ સમાજના ત્રણ યુવકોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરતાં મામલો બીચકયો હતો. સ્થાનિકોએ પથ્થમારો કરનારા ત્રણ યુવકોમાંથી બેને ઝડપ્યા હતા. છેલ્લે મળેલા સમાચાર મુજબ સુરત પોલીસે ગણપતિ પંડાલ પર પથ્થર મારનારાની ધરપકડ કરી છે. તેઓની સામે કાયદાકીય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. સુરત પોલીસે પથ્થરમારાવાળા વિસ્તારોાં સઘન કોમ્બિંગ શરૂ કર્યુ છે.
સ્થાનિકોએ પથ્થરમારો કરનારા બંને યુવકોને બરોબરનો મેથીપાક આપ્યો હતો. બનાવના પગલે પંડાલ ચલાવતા યુવકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. બનાવની સંવેદનશીલતા જોઈને ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનારા કોઈને પણ છોડવામાં નહીં આવે. લાલગેટ અને ચોક બજાર પોલીસ ચોકીને લોકોએ ઘેરી લીધી છે, તેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પોલીસે ટીયરગેસના શેલ પણ છોડ્યા છે. આમ સુરતમાં ફરી એક વખત શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો છે.
આશ્ચર્યની વાત એ છે કે ત્રણ યુવકોએ રીક્ષામાં આવીને ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટનાના પગલે પરિસ્થિતિ વણસી છે અને વાહનોમાં આગચંપી કરવામાં આવી છે. કેટલાય ટુ-વ્હીલરોને સળગાવી દેવામાં આવ્યા છે. લોકો બરોબરના વીફર્યા છે અને સળગાવી રહ્યા છે. પોલીસે આના પગલે બળપ્રયોગ કરવો પડી રહ્યો છે. પણ વધુને વધુ લોકોના ટોળા રસ્તા પર ઉતરી રહ્યા છે. પોલીસે ખાતરી આપી છે કે કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચે તેમ મનાય છે.
મુસ્લિમ આગેવાનોએ પણ જણાવ્યું છે કે ધાર્મિક પંડાલ પર પથ્થરમાર કરનારાની સામે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડનારી તથા કોઈની ધાર્મિક આસ્થા પર હુમલો કરવાની પ્રવૃત્તિ કોઈપણ રીતે સાંખી ન લેવાય. તેઓની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ.
બનાવના પગલે સૈયદપુરાની સાથે લાલચોક અને ચોક બજાર બંને વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ રહી છે. પોલીસ ગણપતિ પંડાલના યુવકોને સમજાવી રહી છે, પરંતુ તે ઉશ્કેરાયેલા હોવાથી પોલીસ સ્ટેશન છોડવા તૈયાર નથી. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને રસ્તા પર ઉમટી પડ્યા છે.
કેટલાય લોકો કહી રહ્યા છે કે આ રીતસરનો ધાર્મિક આસ્થા પર હુમલો છે અમને કોઈને વિરોધ કર્યો નથી તો પછી ગણપતિ પંડાલ પર હુમલો શા માટે કરવામાં આવ્યો. પોલીસ હાલમાં ઘટનાસ્થળે સ્થિતિ અંકુશમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસની વધુને વધુ કુમકો ઘટનાસ્થળે પહોંચી રહી છે. શહેર પોલીસ કમિશ્નર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કેબિનેટ મંત્રી પણ આવે તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સુરતના જ છે. મળતા સમાચાર મુજબ પોલીસને હવે લોકોનો આક્રોશ ઠેકાણે પાડવામાં સફળતા મળી રહી છે.
આ કાંડને લઈને સુરતના મેયર પહોંચી ગયા છે. તેની સાથે સુરતના બીજા ધારાસભ્યો પણ તેમના વિસ્તાર સુધી આ આગ ન ફેલાય તે માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પ્રકરણની તપાસના આદેશ આપ્યા છે. તેની સાથે તેમણે ધાર્મિક આસ્થા પર હુમલો કરનારા તત્વોની સામે આકરી કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સિવાય તોફાન કરવા ઉતરેલા તોફાની તત્વોની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રેપિડ એકશન ફોર્સની વિવિધ ટુકડીઓ સૈયદપુરા, લાલચોક અને ચોક પોલીસ બજારમાં પહોંચી ચૂકી છે. પથ્થરમારો રોકવાની કાર્યવાહી ચાલી રહી છે.
તેની સાથે સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના બધા ગણેશ પંડાલની આસપાસ પણ પોલીસને સુરક્ષા બંદોબસ્ત કરવાની સૂચના આપી છે, જેથી તોફાની તત્વો આ રીતે બીજે ક્યાંય સળી ન કરી જાય. હાલમાં સમગ્ર સુરતના વિધાનસભ્યો અને બધા કોર્પોરેટરો ખડેપગે છે. ધાર્મિક અને સામાજિક આગેવાનો, રાજકારણીઓએ તથા શહેર પોલીસે શાંતિની અપીલ કરી છે.
સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું છે કે પોલીસની આકરી કાર્યવાહી છતાં અને ટીયર ગેસના શેલ છોડવામાંઆવ્યા હોવા છતાં પણ હજી પણ કેટલાય વિસ્તારોમાં પથ્થરમારો થઈ રહ્યા છે. પોલીસે અમુક સ્થળોએ પરિસ્થિતિ અંકુશમાં લઈ લીધી છે. આમ છતાં ઘણા સ્થળોએ પથ્થરમારો જારી હોવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. પોલીસે આખા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યુ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પણ વાંચો: સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો
આ પણ વાંચો: સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો