World News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ (Middle East Crisis)વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. Reuters અને જાપાનની Kyodo Newsના અહેવાલ મુજબ, ઈરાન (Iran)ના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકા સૈન્ય દબાણ ઘટાડે અને ઈરાની બંદરો પરની નાકાબંધી હળવી કરે તો સાત દિવસની અંદર હોર્મુઝ ફરી ખોલવાની તૈયારી દર્શાવી છે. જોકે, બાદમાં ઈરાનની અર્ધસરકારી Fars News Agencyએ આવા અહેવાલોને ખોટા ગણાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેથી સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા પર નજર રહેશે.
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની શરત
અહેવાલો અનુસાર ઈરાન (Iran)ની રજૂઆતમાં અમેરિકાએ પર્સિયન ગલ્ફ વિસ્તારમાં પોતાનું સૈન્ય દબાણ ઘટાડવું અને ઈરાની બંદરો પર લાગેલી નાકાબંધી હટાવવી જેવા પગલાં લેવાની વાત છે. ઈરાન તરફથી આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે અમેરિકાને પહોંચાડવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવનો હેતુ માત્ર દરિયાઈ માર્ગ ફરી શરૂ કરવાનો નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સંઘર્ષને લાંબા ગાળે સમાપ્ત કરવા માટે ફરી વાટાઘાટો શરૂ કરવાનો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, ઈરાન (Iran)તરફથી આવેલા વિરોધાભાસી નિવેદનોને કારણે આ ઓફરનો અંતિમ દરજ્જો હજુ સ્પષ્ટ નથી.
ટ્રમ્પ અને પેઝેશ્કિયાનની મુલાકાત પર સસ્પેન્સ
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પણ મહત્વપૂર્ણ બની છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન હાલમાં UNGA માટે ન્યૂયોર્કમાં છે. પરંતુ અહેવાલ મુજબ પેઝેશ્કિયાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે સીધી મુલાકાતનો કોઈ કાર્યક્રમ નક્કી થયો નથી.
ઈરાનના અધિકારીના જણાવ્યા મુજબ, અમેરિકાની તરફથી વાસ્તવિક પગલાં લેવામાં આવે તો જ રાજદ્વારી પ્રક્રિયામાં આગળ વધવાની શક્યતા છે. બીજી તરફ, અમેરિકા તરફથી આ પ્રસ્તાવ અંગે આગળ શું વલણ અપનાવવામાં આવે છે તેના પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર છે.
હોર્મુઝ કેમ છે વિશ્વ માટે મહત્વનું?
હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એક છે. અમેરિકાની Energy Information Administration મુજબ, 2025ના પ્રથમ છ મહિનામાં આ માર્ગેથી દરરોજ સરેરાશ 20.9 મિલિયન બેરલ તેલ પસાર થયું હતું, જે વૈશ્વિક પેટ્રોલિયમ પ્રવાહી વપરાશના આશરે 20 ટકા જેટલું છે.
LNG માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે. 2024માં વૈશ્વિક LNG વેપારના આશરે 20 ટકા જેટલો જથ્થો હોર્મુઝમાંથી પસાર થયો હતો અને તેમાં કતારનો મોટો હિસ્સો હતો.
આ માર્ગ લાંબા સમય માટે અવરોધાય તો એશિયન દેશોમાં ઊર્જા સપ્લાય, શિપિંગ ખર્ચ અને વૈશ્વિક તેલ-ગેસ બજાર પર દબાણ વધી શકે છે. ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો હોર્મુઝ મારફતે આવતા ઊર્જા પુરવઠા માટે ખાસ મહત્વના બજારો છે.
ભારત માટે કેમ મહત્વનો છે આ ઘટનાક્રમ?
હોર્મુઝમાંથી ઊર્જા પુરવઠો સામાન્ય સ્થિતિમાં પરત આવે તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ અને LNG બજારમાં સપ્લાય અંગેની ચિંતા ઘટી શકે છે. તેની અસર એશિયન આયાતકાર દેશો પર પણ પડી શકે છે.
પરંતુ હાલ ઈરાન તરફથી આવેલી ઓફર અંગે વિરોધાભાસી માહિતી હોવાથી તેને અંતિમ સમજૂતી તરીકે જોવી યોગ્ય નથી. હવે મુખ્ય નજર અમેરિકા અને ઈરાનના આગામી રાજદ્વારી પગલાં પર રહેશે. જો બંને દેશો વચ્ચે વાટાઘાટો આગળ વધે તો હોર્મુઝના દરિયાઈ પરિવહન અને વૈશ્વિક ઊર્જા બજાર માટે તે મહત્વપૂર્ણ વળાંક બની શકે છે.
