Madhyapradesh News : મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાના સોયાત કલા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ શાળામાં એક દુઃખદ ઘટના બની છે. શાળાના કેમ્પસમાં અચાનક મધમાખી(Bee)ના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં 9 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અડધા ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા છે.
માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ઘટનાના સમયે શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક મધમાખી(Bee) ઓના ઝુંડે હુમલો કરતાં બાળકોમાં ભારે ગભરાટ ફેલાયો અને તેઓ બચવા માટે અલગ-અલગ દિશામાં દોડી ગયા.

ઘાયલ બાળકોને તરત જ નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક બાળકની હાલત ગંભીર થતા તેને વધુ સારવાર માટે ઝાલાવાડ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકો અને વાલીઓએ શાળા પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.
