સુરેન્દ્રનગર/ લીંબડીના બળોલ ગામે નરેગાના કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા ગ્રામ વિકાસ વિભાગને રજૂઆત

સરપંચ, ગ્રા.પં.સભ્યો, બહારગામ નોકરી કરતા લોકોના ખાતામાં રાહતકાર્ય કર્યાં વગર પૈસા જમા થયાનો આક્ષેપ

Gujarat
Untitled 309 2 લીંબડીના બળોલ ગામે નરેગાના કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા ગ્રામ વિકાસ વિભાગને રજૂઆત

લીંબડી તાલુકાના બળોલ ગામે નરેગાના કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા જાગૃત નાગરિકે ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે. સરપંચ, ઉપ સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, અશક્ત વૃદ્ધો અને બહારગામ નોકરી કરતા લોકોના ખાતામાં રાહતકાર્ય કર્યાં વગર બારોબાર પૈસાનો વહિવટ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

લીંબડી તાલુકાના બળોલ ગામે ચાલુ વર્ષે નરેગા હેઠળ થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામના નાગરિક લાભુભાઈ પળોલીયાએ કર્યો છે. લાભુભાઈએ ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નરને લેખિત ફરિયાદ કરી નરેગાના કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા રજૂઆત કરી હતી. સરપંચ, ઉપ સરપંચ, ગ્રા.પ.ના સભ્યો, શારીરિક અને માનસિક અસક્ત, રાજકોટ, અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોના ખાતામાં રાહત કામ કર્યાં વગર પૈસા જમા થયાનો આક્ષેપ કર્યો છે. વ્યક્તિ કામ ઉપર હાજર ન હોય તેની ખોટી હાજરી પુરવામાં આવી છે. અને તા.1 એપ્રિલથી 23 જુલાઈ સુધી રેકર્ડ પર દેખાડેલું કામ 3 અઠવાડિયામાં સંકેલી લીધું હોવાનો દાવો કર્યો છે. તા.27 ઓક્ટોબરે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં થયાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન અથવા કોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે બળોલ ગામના ઉપસરપંચ કિરણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ આક્ષેપ કર્યો છે તેને વાસ્મોની લાઈનના લોક ફાળો આપવાની પણ મનાઈ ફરમાવી છે. ગ્રા.પંચાયતના કામમાં આ વ્યક્તિની કોઈને કોઈ તકલીફ ઊભી જ હોય છે. તેમને જમીનમાં દબાણ કર્યું છે. જે દબાણ હટાવવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ વાતનું મનદુઃખ રાખીને તેઓ અમારાં ઉપર આક્ષેપો કર્યાં કરે છે.