Tamilnadu News : તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરંકુન્દ્રમ ટેકરી પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવાના (Thiruparankundram Deepam)વિવાદમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)વચગાળાનો નિર્ણય આપ્યો છે. કોર્ટે 24 નવેમ્બરે દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાની એક વખતની મંજૂરી આપી છે, પરંતુ આ વિધિ માટે સામાન્ય જનતાને ટેકરી પર જવાની છૂટ નહીં મળે. માત્ર મંદિરના અધિકૃત પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓની મર્યાદિત ટીમ જ કડક સુરક્ષા હેઠળ દીપ પ્રગટાવશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના (Madras High Court)અગાઉના આદેશ પર રોક લગાવી છે, જેમાં ભક્તોને ટેકરી પર આવેલા દીપસ્તંભ સુધી જઈ દીવો પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ધાર્મિક પરંપરાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરે માત્ર એક વખત દીપ પ્રાગટ્ય કરવાની શરતી મંજૂરી આપી છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયને ટેકરી પર પ્રવેશ, કબજો કે માલિકી હકની અંતિમ માન્યતા તરીકે ગણવામાં આવશે નહીં. આ વિધિ માત્ર ચાલુ વિવાદ વચ્ચે આપવામાં આવેલી વચગાળાની રાહત છે.
કલેક્ટરની દેખરેખમાં થશે દીપ પ્રાગટ્ય
દીપ પ્રાગટ્ય માટેની ટીમમાં કેટલા લોકો હશે અને કોણ સામેલ થશે તે મદુરાઈ જિલ્લા કલેક્ટર નક્કી કરશે. આ માટે મંદિરના એક્ઝિક્યુટિવ ઑફિસર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને પોલીસ કમિશનર સાથે સંકલન કરવામાં આવશે.
સમગ્ર આયોજનની દેખરેખ કલેક્ટર રાખશે, જ્યારે પોલીસ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. જરૂરિયાત ઊભી થાય તો CRPFની મદદ પણ લેવામાં આવી શકે છે. કોઈ કાનૂની, ભૌતિક અથવા સુરક્ષાને લગતી સમસ્યા સર્જાય તો તેની જાણ તાત્કાલિક સુપ્રીમ કોર્ટને કરવાની રહેશે. વિધિ પૂર્ણ થયા બાદ ત્રણ દિવસમાં પાલન અહેવાલ પણ રજૂ કરવો પડશે.
દરગાહ અને મસ્જિદમાં પ્રાર્થના ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટે (Supreme Court)ટેકરી પર આવેલી દરગાહ અને મસ્જિદમાં કાયદેસરની અવરજવર તથા પૂજા-પ્રાર્થના કોઈપણ અવરોધ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. દીપ પ્રાગટ્યના કારણે અન્ય ધાર્મિક સ્થળોની વ્યવસ્થા કે પ્રવૃત્તિઓને અસર થવી જોઈએ નહીં.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક વખતની મંજૂરીથી ટેકરી પર કોઈ નવો અધિકાર સ્થાપિત થશે નહીં. પરંપરા, માલિકી અને ધાર્મિક અધિકારો અંગેના મુદ્દાઓ પર આગળની સુનાવણી ચાલુ રહેશે.
શું છે સમગ્ર વિવાદ?
મદુરાઈની તિરુપરંકુન્દ્રમ ટેકરી પર પ્રાચીન મંદિર (Madurai Temple)ઉપરાંત દરગાહ અને મસ્જિદ પણ આવેલી છે. ટેકરીના શિખર પર આવેલા ‘દીપથૂન’ સ્તંભ પર કાર્તિગાઈ દીપમ દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
મંદિર પક્ષે ઐતિહાસિક પરંપરાનો આધાર લઈને દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાની મંજૂરી માગી હતી. મદ્રાસ હાઇકોર્ટે મંદિર પક્ષની તરફેણમાં નિર્ણય આપતાં દીપ પ્રાગટ્યની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હાઇકોર્ટના આદેશના અમલમાં વિલંબ થતાં કોર્ટ દ્વારા સરકારી અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને કેન્દ્રીય સુરક્ષા દળની મદદ લેવાની સૂચના પણ આપવામાં આવી હતી.
હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court)24 નવેમ્બરના દીપ પ્રાગટ્ય માટે મર્યાદિત મંજૂરી આપીને વચગાળાનો રસ્તો કાઢ્યો છે. બીજી તરફ, આ નિર્ણય બાદ મદુરાઈમાં હિન્દુ મુન્નાની સંગઠન અને ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.
