Supreme Court Real Estate Ruling: ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ચળકતા બ્રોશરમાં લક્ઝુરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તા, ગાર્ડન અને અન્ય અનેક સુવિધાઓના મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ પઝેશન સમયે આમાંથી કેટલીક સુવિધાઓ ગાયબ જોવા મળે છે. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને કડક ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ડેવલપર પ્રોજેક્ટના બ્રોશરમાં ચોક્કસ પ્લાન, નકશો અને સુવિધાઓ દર્શાવીને ગ્રાહકોને વચન આપે અને પછી તેને માત્ર ‘માર્કેટિંગ ક્લેઇમ’ કહીને જવાબદારીમાંથી છટકી શકે નહીં. પ્રોજેક્ટ જે રીતે વેચવામાં આવ્યો હોય, તે મુજબ વચનો પૂરા કરવાની જવાબદારી બિલ્ડરની રહેશે.
DLFના ‘ધ પ્રાઇમસ’ પ્રોજેક્ટનો વિવાદ
આ મામલો ગુરુગ્રામના સેક્ટર 82Aમાં આવેલા DLF હોમ ડેવલપર્સના ‘ધ પ્રાઇમસ’ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટની(Supreme Court) જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે.પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો અને આશરે 147 મીટર લાંબો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જોકે, કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો પ્રમાણે જમીન પર રસ્તો મૂળ પ્લાન મુજબ તૈયાર કરવામાં આવ્યો ન હતો.
24 મીટરના રોડમાંથી મોટો હિસ્સો ગાયબ
CBIની (Supreme Court) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રસ્તાના આશરે 52 મીટરના હિસ્સામાં ગ્રીન પેચ એટલે કે બગીચો બનાવવામાં આવ્યો હતો. જ્યારે રસ્તાનો બાકીનો ભાગ પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું. આ રીતે મૂળ પ્લાનમાં દર્શાવાયેલા રસ્તાનો આશરે 100 મીટર જેટલો હિસ્સો ગ્રીન એરિયા અથવા પાર્કિંગમાં ફેરવાઈ ગયો હોવાનું જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે વારંવાર તક આપવામાં આવ્યા છતાં બિલ્ડર દ્વારા આ ખામી સુધારવામાં કેમ આવી નથી?
પાંચ ફ્લેટ ખરીદદારોની ફરિયાદથી શરૂ થયો કેસ
આ વિવાદની શરૂઆત પાંચ ફ્લેટ ખરીદદારો દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. 29 મે 2023ના ચુકાદા બાદ ખરીદદારો અને DLF બંને આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કાગળ પરના નિયમો અને જમીન પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચેના તફાવત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તાજા આદેશમાં CBI ડાયરેક્ટરને પ્રાથમિક તપાસ કરી રહેલા SP સૌરભ ગુપ્તાની મદદ માટે વધુ બે ઇન્સ્પેક્ટર નિયુક્ત કરવા સૂચના આપવામાં આવી છે.
કોર્ટે તપાસ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કરવાની પણ સ્પષ્ટતા કરી છે. આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે, જ્યાં CBI પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના સવાલો અને અસંમતિને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાનનું મોટું નિવેદન ….
આ પણ વાંચો: પેકેજ્ડ ફૂડમાં વધુ ખાંડ મીઠું હશે તો લાગશે ચેતવણી લેબલ? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 2 અઠવાડિયાનો સમય આપ્યો
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે, જાણો ક્યારે
