Katch News : સુપ્રીમ કોર્ટે(Supreme Court) લુપ્ત થવાના આરે પહોંચેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે કડક અને મહત્વપૂર્ણ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રણ પર પહેલ પક્ષીઓનો અધિકાર છે, ઉદ્યોગો માત્ર મહેમાન છે.
ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને લેસર ફ્લોરિકનના સંરક્ષણ સંબંધિત અરજીઓ પર ચુકાદો આપતાં રાજસ્થાન અને ગુજરાતમાં વિશાળ વિસ્તારમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ પર નિયંત્રણ લાદ્યું છે.
14,753 ચોરસ કિલોમીટરમાં પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ મુજબ, રાજસ્થાન અને ગુજરાતના કુલ 14,753 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મોટા સૌર ઉદ્યાનો, પવન ઉર્જા પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેન્શન ઓવરહેડ વીજ લાઇનો પર પ્રતિબંધ રહેશે.
રાજસ્થાનમાં 14,013 અને ગુજરાતમાં 740 ચોરસ કિલોમીટર વિસ્તારને પ્રાથમિક સંરક્ષણ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
પાવર લાઇનો હવે ભૂગર્ભમાં
સુપ્રીમ કોર્ટે (Supreme Court) માન્યતા આપી કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના મૃત્યુનું સૌથી મોટું કારણ ખુલ્લી હાઇ-ટેન્શન વીજ લાઇનો છે. આ કારણે આગામી બે વર્ષમાં અંદાજે 250 કિલોમીટર પાવર લાઇનોને ભૂગર્ભમાં ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં હવે ફક્ત નિર્ધારિત પાવર કોરિડોરમાંથી જ લાઇનો પસાર કરી શકાશે.
જેસલમેર-બાડમેર પર સૌથી વધુ અસર
આ ચુકાદાની સીધી અસર જેસલમેર અને બાડમેર જિલ્લાઓ પર પડશે, જ્યાં મોટા પાયે સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ વિકસિત થઈ રહ્યા છે. અદાલતે અહીં નવા પ્રોજેક્ટ્સ પર તાત્કાલિક રોક લગાવી છે.
“ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ રાજસ્થાનનો આત્મા છે”
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું:
“જો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ લુપ્ત થઈ જશે, તો તે આપણી પેઢીની સૌથી મોટી પર્યાવરણીય નિષ્ફળતા ગણાશે.”
અદાલતે ઊર્જા કંપનીઓને કડક સંદેશ આપતાં જણાવ્યું કે તેઓ રણના માલિક નથી, પરંતુ મહેમાન છે, અને તેમની CSR રકમ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે વાપરવી જોઈએ.
ગંભીર સ્થિતિમાં પ્રજાતિ
નિષ્ણાતો મુજબ રાજસ્થાનમાં હાલમાં માત્ર 150થી 175 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બાકી છે. IUCN દ્વારા આ પક્ષીને પહેલેથી જ “ક્રિટિકલલી એન્ડેન્જર્ડ” જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટે બિશ્નોઈ સમુદાય અને “ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ મેન” તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાધેશ્યામ બિશ્નોઈના યોગદાનને પણ યાદ કર્યું.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની અરજી પર સુનાવણી કરશે!
