Surat News/ સુરત : યુકે, કેનેડા, ન્યુઝીલેન્ડના વર્ક વિઝાને બહાને 13 લોકો સાથે રૂ. 64.85 લાખની છેતરપિંડી, પાંચ શખ્સો સામે ગુનો દાખલ

આરોપીઓ ગ્રાહકોને વોટ્સએપ દ્વારા બોગસ અને બનાવટી ફાઈલો PDF સ્વરૂપે મોકલી છેતરપિંડી કરતા હતા.

Gujarat Surat

Surat News : સુરતમાં અલગ અલગ દેશોના વિઝા અપાવવાને બહાને એક જ ઓફિસના 13 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં લોકો સાથે રૂ. 64.85 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા પીપલોદના રાજહંસ ઓર્નેટમાં સ્થિત ઓર્ચીડ ઓવરસીસ કંપનીમાં આ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ન્યુઝીલેન્ડ, યુ.કે., અને કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને ગ્રાહકો પાસેથી રૂ. 64,85,000ની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસમાં આરોપીઓ ગ્રાહકોને વોટ્સએપ દ્વારા બોગસ અને બનાવટી ફાઈલો PDF સ્વરૂપે મોકલી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના 1 જાન્યુઆરી 2024થી 26 જુલાઈ 2025 દરમિયાન બની હતી. ફરિયાદી આર્યન શોએબ શેખે પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપીઓ સંદીપકુમાર નવીનચંદ્ર પરીખ (રહે. સી/303, મૂન એપાર્ટમેન્ટ, ડેરી પાસે, રેલવે ક્રોસિંગ, પેટલાદ રોડ, તા. નડિયાદ, જિ. ખેડા), ગીતાબેન સંદીપકુમાર પરીખ (રહે. સી/303, મૂન એપાર્ટમેન્ટ, ડેરી પાસે, રેલવે ક્રોસિંગ, પેટલાદ રોડ, તા. નડિયાદ, જિ. ખેડા), રોહિતકુમાર મનુભાઈ કાચા (પટેલ) (રહે. પ્લોટ નં. 16, નીલકંઠ સોસાયટી, ગામ-વિરસદ, તા. બોરસદ, જિ. આણંદ), જૈમીન નરેશ શાહ (રહે. ડી/302, સંકલ્પ ગ્રેસ ઇન્ફોસ્ટ્રેચ બિલ્ડિંગ પાસે, રાજપથ ક્લબની પાછળ, અમદાવાદ) અને સમીર વોરા (રહે. 8, ખુશ્બુ પાર્ક સોસાયટી, તા. નડિયાદ, જિ. ખેડા) પોતાને વર્ક વિઝાના એજન્ટ તરીકે ઓળખ આપીને ફરિયાદીની ઓર્ચીડ ઓવરસીસ કંપનીના ગ્રાહકોને વિદેશ જવા માટેના વર્ક પરમિટ વિઝા આપવાની ખાતરી આપતા હતા.

આરોપીઓએ મીત આહીર, આયુષ પટેલ, વિવેક આહિર, શંકેત આહિર, દર્શન ભાવસાર, સાગર ખલાસી, કરણ ખલાસી, મન આહીર, સાગર પટેલ, પિનલ પટેલ, શોએબ પટેલ, વનરાજસિંહ રાઠોડ અને અબ્દુલ્લા દીવાન સહિત 13 ગ્રાહકોને છેતર્યા હતા.આરોપીઓએ દરેક ગ્રાહકની ફાઇલ દીઠ રકમ નક્કી કરી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા મેળવ્યા હતા. આ રકમ ઓનલાઈન-બેંક એકાઉન્ટ મારફતે રૂ. 18,05,000, રોકડા રૂ. 5,00,000, અને આંગડિયા પેઢી મારફતે રૂ. 62,80,000 એમ જુદા જુદા માધ્યમોથી લેવામાં આવી હતી. કુલ મળેલી રકમમાંથી રૂ. 21,00,000 પરત કરવામાં આવ્યા હતા, જેથી કુલ રૂ. 64,85,000ની છેતરપિંડી કરવામાં આવી હતી.

ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે, આરોપીઓ વ્હોટ્સએપ એપ્લિકેશન દ્વારા ગ્રાહકોની બોગસ અને બનાવટી ફાઈલો PDF સ્વરૂપે મોકલતા હતા. આ છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોમાં વનરાજસિંહ રાઠોડનો પણ સમાવેશ થાય છે, જે કેનેડા જવા નીકળ્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડ એરપોર્ટ પર ફરજ પરના અધિકારીઓએ પૂછપરછ કરતા તેમના બાયોડેટાની ફાઈલમાં ખોટી વિગતો ભરેલી હોવાનું જાણવા મળ્યું. આ કારણે તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા અને કેનેડાની નવી દિલ્હી સ્થિત એમ્બેસી દ્વારા તેમના પાસપોર્ટ પરના કેનેડાના વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ફરિયાદીની કંપનીનું નામ ખરાબ થયું હતું. સમાધાનના પ્રયાસ રૂપે, સંદીપકુમારની નડિયાદ ખાતે આવેલી ઓફિસમાં અને જૈમીનની અમદાવાદ ખાતે આવેલી ઓફિસમાં ફરિયાદીના પૈસા પરત ચૂકવવા બાબતે મીટિંગો યોજાઈ હતી. નોટરી પી.એચ. દેસાઈ રૂબરૂ સમાધાન કમ બાહેંધરીનો કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી આરોપીઓ કરારથી ફરી ગયા અને હિસાબ પેટે રૂ. 64,85,000 ચૂકવ્યા નહીં, જેના કારણે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો આચરવામાં આવ્યો છે. આ મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત : ઓલપાડ ગ્રામ પંચાયતનો તલાટી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા મકાન સંદર્ભે લાંચ લેતા માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝડપાયો

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો