Surat Abrama Ambareswar Mahadev Temple: ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, તો બીજી તરફ નેતાઓનો વિરોધ પણ તેજ થઈ રહ્યો છે. સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીનનો મુદ્દો હવે ગરમાયો છે. મંદિરની જગ્યા બચાવવા માટે અબ્રામાના ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને ભારે વિરોધ નોંધાવ્યો છે અને સ્થાનિક નેતાઓને ખુલ્લી ચીમકી આપી છે કે જો મંદિરની જમીન નહીં બચે, તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન મુદ્દે લોકોમાં રોષ
પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્રામા ગામમાં આવેલા પૌરાણિક અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મંદિરની પવિત્ર જમીન પચાવી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. આથી ગ્રામજનોની ધીરજ ખૂટી છે અને તેઓએ સંગઠિત થઈને શાસકો અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે.

‘જમીન બચાવો, તો જ વોટ આપશું’ ના પોસ્ટરો સાથે વિરોધ
ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ માટે અબ્રામાના લોકોએ ગામમાં ઠેર-ઠેર બેનરો અને પોસ્ટરો લગાવી દીધા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, “અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બચાવો, તો જ વોટ આપશું.” ગ્રામજનોએ એકઠા થઈને નેતાઓ અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી મંદિરની જમીનનો નિકાલ નહીં આવે અને જગ્યા સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષને મત આપવામાં આવશે નહીં.
Suratમાં રાંદેર બાદ હવે અબ્રામાના લોકો પણ મેદાનમાં
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતના રાંદેર વિસ્તારમાં પણ લોકો પોતાના હક અને કાયદાના પાલન માટે મેદાનમાં ઉતર્યા હતા. રાંદેરના વિરોધ પ્રદર્શન બાદ હવે અબ્રામાના સ્થાનિકોએ પણ તે જ માર્ગ અપનાવ્યો છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે અને ધાર્મિક સ્થળની જમીનને યોગ્ય રક્ષણ પૂરું પાડવામાં આવે.
આ પણ વાંચો: સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર
આ પણ વાંચો: સુરતમાં લગ્નના એક જ વર્ષમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો: સુરતના રાંદેરમાં ભાજપનો વિરોધ, ગંદુ પાણી બતાવી સ્થાનિકોએ કહ્યું – ‘મત નહિ મળે’

