Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ (Surat Bhestan Housing) અને ભીમનગર આવાસના 600થી વધુ અસરગ્રસ્ત પરિવારો ફરી એકવાર પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે. રી-ડેવલપમેન્ટના વાયદા છતાં વર્ષો વીતી જવા છતાં નવા મકાનોનું કામ શરૂ ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં રહીશો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
રહીશોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત આવાસો (Surat Bhestan Housing) ખાલી કરાવતી વખતે માત્ર બે વર્ષની અંદર રી-ડેવલપમેન્ટ પૂર્ણ કરીને નવા પાકા મકાનો આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ બે વર્ષનો વાયદો હવે પાંચ વર્ષમાં ફેરવાઈ ગયો હોવા છતાં પ્રોજેક્ટનું કામ હજુ સુધી શરૂ થયું નથી.
જર્જરિત મકાનો બાદ પરિવારોને કરાયા હતા સ્થળાંતરિત
ભેસ્તાનના સરસ્વતી આવાસ (Surat Bhestan Housing)માં અગાઉ જર્જરિત બાંધકામને કારણે દુર્ઘટનાઓ બની હતી. આવી ઘટનાઓમાં બાળકીઓના મોત પણ થયા હતા. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા જોખમી મકાનો ખાલી કરાવી ત્યાં રહેતા પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તે સમયે અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જૂના મકાનોના સ્થાને રી-ડેવલપમેન્ટ કરી બે વર્ષની અંદર નવા અને પાકા આવાસ તૈયાર કરીને આપવામાં આવશે. જોકે, રહીશોનું કહેવું છે કે આ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ કામગીરીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.
પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેવાની ફરજ
રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે પોતાના ઘર ખાલી કરાવ્યા બાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. મોંઘા ભાડા અને રોજિંદા ખર્ચને કારણે અનેક ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રહીશોનું કહેવું છે કે જે પરિવારો પાસે પોતાનું આવાસ (Surat Bhestan Housing) હતું, તેઓ હવે ભાડું ચૂકવીને રહે છે. રી-ડેવલપમેન્ટ ક્યારે પૂર્ણ થશે અને પોતાના મકાન ક્યારે મળશે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
Surat Bhestan Housing: જ્યાંથી ખસેડ્યા ત્યાં જ નવા મકાન આપવાની માંગ
કલેક્ટર કચેરીએ પહોંચેલા અસરગ્રસ્ત પરિવારોની મુખ્ય માંગ છે કે તેમને જે સ્થળેથી ખસેડવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવા આવાસ બનાવીને આપવામાં આવે. રહીશોએ તંત્ર સમક્ષ રી-ડેવલપમેન્ટની કામગીરી ઝડપથી શરૂ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને તેમના નવા મકાન અંગે સ્પષ્ટ સમયમર્યાદા આપવા માંગ કરી છે.
નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતના ધરણાંની ચીમકી
આ મામલે સામાજિક કાર્યકર્તા મનોજ ચાંદલાએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારો દ્વારા હપ્તા ભરીને આવાસ (Surat Bhestan Housing) મેળવવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ લોકોને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કે પૂરતી ભાડાની સહાય વિના મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે 31 ઓગસ્ટ સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે અને રી-ડેવલપમેન્ટનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો અસરગ્રસ્ત પરિવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હાલ 600થી વધુ અસરગ્રસ્ત પરિવારોના આ મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે અને રી-ડેવલપમેન્ટની કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર તમામની નજર છે.
આ પણ વાંચો:રી-ડેવલપમેન્ટના વિવાદમાં મહિલાઓને હેરાન કરવાનો આરોપ, રાણીપ પોલીસમાં બિલ્ડર સામે ફરિયાદ
આ પણ વાંચો:AMC ગાર્ડન ડાયરેક્ટરનું રાજીનામું મંજૂર, ભ્રષ્ટાચારની તપાસ 30 દિવસમાં પૂર્ણ કરવા આદેશ
આ પણ વાંચો:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રી-ડેવલપમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળેથી યુવકનું પટકાતાં મોત
