New Delhi News/ દિલ્હી ગેંગરેપ મુદ્દે રાહુલ ગાંધી ભડક્યા, 47 કિમી બસ દોડતી રહી છતાં કોઈ ચેકિંગ નહીં

દિલ્હીમાં સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટના (Delhi Gangrape)ને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે

Top Stories India
દિલ્હીમાં સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટના (Delhi Gangrape)ને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

New Delhi News : દિલ્હીમાં સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટના (Delhi Gangrape)ને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો કે એક બસ લગભગ 47 કિમી સુધી દોડતી રહી, છતાં રસ્તામાં કોઈ ચેકપોઈન્ટ પર તેને રોકવામાં કેમ ન આવી? તેમણે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

Delhi Gangrape મામલે રાહુલ ગાંધી (Rahul Gandhi)નો સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે દિલ્હી મહિલાઓ માટે અસુરક્ષિત બની રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, સ્લીપર બસમાં બનેલી ઘટનાની જાણકારી દિલ્હી અને નોઈડા પોલીસને પણ થઈ નહોતી.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 2012ના નિર્ભયા કેસનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો કે વર્ષો વીતી ગયા છતાં મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કેમ થતું નથી. ખાસ કરીને સ્લીપર બસોમાં દેખરેખ અને તપાસ વ્યવસ્થાને લઈને તેમણે સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું કે બસમાં લગાવવામાં આવેલા પડદા માત્ર બસની અંદરની ઘટના બહારની નજરથી છુપાવતા નહોતા, પરંતુ તેઓ વ્યવસ્થાની નિષ્ફળતાઓ પર પડેલા પડદાનું પણ પ્રતીક છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જવાબદારી નક્કી કરીને વ્યવસ્થામાં સુધારો કરવાની માગ કરી છે.

47 કિમી સુધી બસ દોડતી રહી, કોઈ ચેકિંગ નહીં

પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા ગ્રેટર નોઈડાના પરી ચોક વિસ્તારમાંથી સ્લીપર બસમાં બેઠી હતી. આરોપ છે કે ડ્રાઈવર અને કંડક્ટરે તેને નોઈડા તરફ લઈ જવાની વાત કહી બસમાં બેસાડી હતી.

બાદમાં બંનેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. બસ પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી પહોંચી અને આ દરમિયાન લગભગ 47 કિમીનું અંતર કાપ્યું.

પોલીસના જણાવ્યા પ્રમાણે બસની બારીઓ પર પડદા લગાવવામાં આવ્યા હતા. જેના કારણે બહારથી બસની અંદરની સ્થિતિ સરળતાથી દેખાતી નહોતી.

સગીરા સાથે શું બન્યું? જાણો સમગ્ર ઘટનાક્રમ

1. પરિવાર સાથેના ઝઘડા બાદ ઘરેથી નીકળી

પોલીસના જણાવ્યા પ્રમાણે, સગીરા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે. પરિવાર સાથે વિવાદ થયા બાદ તે કોઈને જાણ કર્યા વગર નોઈડામાં રહેતા પોતાના કઝીનના ઘરે જવા નીકળી હતી.

2. પરી ચોક પર ભૂલથી ઉતરી ગઈ

મુસાફરી દરમિયાન ભારે વરસાદ અને અંધારાને કારણે તે ગ્રેટર નોઈડાના પરી ચોક વિસ્તારમાં ઉતરી ગઈ હતી. નોઈડા જવા માટે બસની રાહ જોતી વખતે ત્યાંથી એક ખાલી સ્લીપર બસ (Sleeper Bus)પસાર થઈ હતી.

3. ડ્રાઈવર અને કંડક્ટરે બસમાં બેસાડી

સગીરાએ બસ રોકવા માટે ઈશારો કર્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરે તેને બસમાં બેસાડી અને બસ નોઈડા સેક્ટર-63 તરફ જઈ રહી હોવાનું જણાવ્યું હતું.

4. બસમાં દુષ્કર્મનો આરોપ

પોલીસ ફરિયાદ મુજબ, બસ થોડે આગળ ગયા બાદ કંડક્ટરે સગીરા સાથે અશ્લીલ હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. વિરોધ કરવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો છે.

5. કાશ્મીરી ગેટ પાસે ઉતારી દીધી

આરોપ છે કે મોડી રાત્રે બંનેએ સગીરાને કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ નજીક રિંગ રોડ પર ઉતારી દીધી હતી. ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સગીરાએ પોલીસનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી.

6. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા

ફરિયાદ બાદ પોલીસ ટીમે બસના રૂટ અને ઓળખ માટે વિવિધ સ્થળોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપને તિમારપુર વિસ્તારમાં આવેલા બસ પાર્કિંગમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બસ પણ પોલીસે કબજે કરી છે અને તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બસના રૂટ અને CCTV ફૂટેજથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘટનાના દિવસે બસમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ તેને નોઈડાના સુરજપુર વિસ્તારમાં આવેલી વર્કશોપમાં રિપેરિંગ માટે લઈ જવામાં આવી હતી.

રિપેરિંગ બાદ બસને ખાલી સ્થિતિમાં તિમારપુર તરફ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પરી ચોક પાસે સગીરાએ બસ રોકવાનો ઈશારો કર્યો હતો.

પોલીસે બસના રૂટ પર આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસના આધારે બસની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ ડ્રાઈવર તથા કંડક્ટર સુધી પોલીસ પહોંચી હતી.

બસના પડદાઓએ વધાર્યા સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બસની બારીઓ અને અંદરના ભાગમાં પડદા લગાવવામાં આવ્યા હતા. આરોપીઓએ બસના આ પડદાવાળા ભાગનો ઉપયોગ ઘટનાને બહારની નજરથી દૂર રાખવા માટે કર્યો હોવાનો પોલીસનો દાવો છે.

આ ઘટનાએ સ્લીપર બસોમાં સુરક્ષા વ્યવસ્થા, CCTV, ચેકિંગ અને રાત્રિના સમયે મુસાફરોની દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

નિર્ભયા કેસ (Nirbhaya Case)ની યાદ ફરી તાજી થઈ

દિલ્હીમાં વર્ષ 2012માં ચાલતી બસમાં 23 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ઘટનાને બાદમાં મીડિયા દ્વારા નિર્ભયા કેસ (Nirbhaya Case)તરીકે ઓળખવામાં આવી.

ઘટના બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા (Women Safety)અને કાયદાકીય વ્યવસ્થામાં સુધારાની માગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા.

આ કેસમાં છ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં એક આરોપી સગીર હતો, જ્યારે અન્ય એક આરોપીનું જેલમાં મૃત્યુ થયું હતું. બાકીના ચાર દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી અને 20 માર્ચ 2020ના રોજ તિહાર જેલમાં સજા અમલમાં મૂકવામાં આવી હતી.

વર્ષો બાદ ફરી એક વખત દિલ્હીની બસ માં સગીરા સાથે બનેલી ઘટનાએ મહિલાઓની સુરક્ષા (Women Safety)અને જાહેર પરિવહનમાં પોલીસ દેખરેખ અંગેના જૂના સવાલોને ફરી ચર્ચામાં લાવી દીધા છે.


આ પણ વાંચો : ભાયલી ગેંગરેપ કેસમાં આજે સજાનો દિવસ, 5 દોષિતોને ફાંસી કે અંતિમ શ્વાસ સુધી કેદ?

આ પણ વાંચો : વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો, પાંચેય દોષિતોને આજીવન કેદની સજા

આ પણ વાંચો : દિલ્હી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, ડ્રાઇવર-કંડક્ટરની ધરપકડ