Surat News: સુરતના પૂણા વિસ્તારમાં ફરી એકવાર બાળ મજૂરી (Surat child labour case) અને માનવ તસ્કરી (Human trafficking)ના ગૂંથાયેલા નેટવર્કનો ભંડાફોડ થયો છે. રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 90થી વધુ માસૂમ બાળકોને કથિત નરક જેવી પરિસ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના વર્ષ 2019માં થયેલા મોટા રેસ્ક્યુ ઓપરેશનની યાદ તાજી કરી રહી છે, જ્યારે પૂણાની સીતાનગર અને સીતારામ સોસાયટીમાંથી 134 બાળકોને છોડાવવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ગરીબ અને અનાથ બાળકોને સુરત લાવી ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ કારખાનાઓમાં કામે લગાડવામાં આવતા હતા. આ બાળકો પાસે સાડી ફોલ્ડિંગ, ખાટલી વર્ક અને અન્ય જોખમી કામો કલાકો સુધી કરાવવામાં આવતા હતા.
Surat child labour case: અનાથ બાળકોને મોટી રકમમાં વેચાતા
તપાસમાં સામે આવ્યું છે કે માનવ તસ્કરો મુખ્યત્વે બે પ્રકારના બાળકોને નિશાન બનાવતા હતા. પ્રથમ એવા બાળકો, જેમના માતા-પિતા નથી અથવા જેમની પાછળ પૂછપરછ કરનાર કોઈ નથી. આવા અનાથ બાળકોને મોટી રકમમાં વેચીને તેમને કાયમ માટે ‘બંધુઆ મજૂર’ બનાવી દેવામાં આવતા હતા.બીજી તરફ અત્યંત ગરીબ પરિવારોના બાળકોને “કોન્ટ્રાક્ટ બેઝ” પર સુરત લાવવામાં આવતા હતા. જો બાળકનો માસિક પગાર ₹10 હજાર નક્કી થાય તો તેમાંમાંથી ₹1થી ₹2 હજાર સુધીની રકમ વચેટિયાઓ કમિશન તરીકે ડકારતા હતા.
100થી વધુ મકાનોમાં રેડ
તાજેતરમાં સુરત પોલીસ અને રાજસ્થાનની ઉદયપુર પોલીસની સંયુક્ત ટીમે પૂણાના વિવિધ વિસ્તારોમાં પૂર્વ આયોજન સાથે દરોડા પાડ્યા હતા. સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત 6થી વધુ સ્થળોએ એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આશરે 100 જેટલા મકાનોમાં તપાસ કરી હતી, જેમાંથી 27 મકાનોમાં બાળ મજૂરી (Surat child labour case) ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.આ ઓપરેશન દરમિયાન 90થી વધુ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. મોટાભાગના બાળકો રાજસ્થાનના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે.

2019 પછી પણ યથાવત નેટવર્ક
રાજસ્થાન બાળ આયોગના પૂર્વ સદસ્ય ડૉ. શૈલેન્દ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2019માં પણ આ જ વિસ્તારમાંથી 125થી વધુ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સાત વર્ષ પછી પણ એ જ સોસાયટી અને એ જ પ્રકારની બાળ મજૂરી (Surat child labour case) ચાલુ હોવું ચિંતાજનક છે.તપાસમાં સામે આવ્યું છે કે, સુરતના પૂણા વિસ્તારમાં ખાસ કરીને ‘સીતારામ સોસાયટી’ બાળ તસ્કરોનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. વર્ષો વીતી ગયા છતાં સ્થાનિક તંત્ર અને પોલીસની નજરથી આ નેટવર્ક દૂર રહી ગયું હતું.
અંધારી ઓરડીઓમાં રહેતા બાળકો
મુક્ત કરાયેલા બાળકોની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું કહેવાય છે. તેમને પૂરતું ખાવાનું પણ આપવામાં આવતું ન હતું અને નાની અંધારી ઓરડીઓમાં ગોંધી રાખવામાં આવતા હતા. સવારથી મોડી રાત સુધી તેઓ પાસેથી કામ લેવાતું હતું.
હવે મુખ્ય સૂત્રધારો પર નજર
આ મામલે સ્થાનિક કારખાનેદારો અને કેટલાક એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાત અને રાજસ્થાન પોલીસ આ આખા નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. રાજસ્થાન, બિહાર અને ઝારખંડના ગામડાઓમાં સક્રિય વચેટિયાઓને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
બાળકોના પુનર્વસન માટે કવાયત
સરકાર અને બાળ આયોગે સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ માત્ર બાળકોને છોડાવવાનો નથી, પરંતુ તેમનું યોગ્ય પુનર્વસન કરવાનો પણ છે. તમામ બાળકોને સુરક્ષિત રીતે તેમના વતન મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમને શિક્ષણ તેમજ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે.
બાળ મજૂરી દેખાય તો 1098 પર કોલ કરો
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ બાળ મજૂરી (Surat child labour case) જોવા મળે તો તરત જ 1098 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. નાગરિકોની સતર્કતા જ આવા આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કને તોડવામાં મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો:સુરતમાં બાળમજૂરીનો મોટો પર્દાફાશ: ટેક્સટાઇલ યુનિટોમાંથી 86 બાળકો રેસ્ક્યુ, 7 વર્ષનું બાળક પણ મળ્યું
આ પણ વાંચો:સુરતમાં બાળકોની બહાદુરી, પોલીસે કર્યો બાળમજૂરી રેકેટનો પર્દાફાશ
આ પણ વાંચો:સુરતમાં ઉત્રાણ પોલીસે મોટા વરાછાની સીટી પેલેસ હોટેલમાં ચાલતા દેહ વેપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો
