Surat Civil Hospital Negligence: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલનો વહીવટ રામભરોસે ચાલી રહ્યો હોય તેવા વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યના આરોગ્ય મંત્રીએ અહીંની મુલાકાત લીધી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી હજુ પણ હલ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સુવિધા સમાન વ્હીલચેર અને સ્ટ્રેચર ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે દર્શાવે છે કે તંત્ર માત્ર કાગળ પર જ દોડી રહ્યું છે.

Surat : ફ્રેક્ચરવાળા દર્દીની મજબૂરી
સિવિલ હોસ્પિટલની અવ્યવસ્થાનો ભોગ એક એવો દર્દી બન્યો જેના પગમાં ફ્રેક્ચર હતું. અસહ્ય પીડા ભોગવી રહેલા આ દર્દીને એક્સ-રે કરાવવા માટે લઈ જવાનો હતો, પરંતુ હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેને વ્હીલચેર પૂરી પાડવામાં આવી ન હતી. આખરે, દર્દીના સગા-સંબંધીઓએ લાચાર બનીને દર્દીને પોતાના ખભે ટેકો આપીને લંગડાતો-લંગડાતો એક્સ-રે રૂમ સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો જોઈને સામાન્ય માણસના હૃદય પણ દ્રવી ઉઠે તેવી સ્થિતિ હતી.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાડી રોકાવી
હોસ્પિટલ કેમ્પસમાં જ્યારે આ કરુણ દ્રશ્યો સર્જાઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. દર્દીને પીડામાં કણસતો અને સગાઓના ટેકે ચાલતો જોઈને મંત્રી પ્રફુલ પાનસેરિયાથી રહેવાયું ન હતું. તેઓ તાત્કાલિક પોતાની ગાડી રોકાવીને નીચે ઉતરી ગયા હતા અને દર્દીની પાસે પહોંચી ગયા હતા.
આરોગ્ય મંત્રીની મુલાકાત પછી પણ ‘સ્થિતિ જૈસે થે’
આ સંવેદનશીલતાએ સિવિલ હોસ્પિટલ પ્રશાસનની પોલ ખોલી નાખી છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, થોડા દિવસ પહેલા જ આરોગ્ય મંત્રીએ મુલાકાત લઈને વ્યવસ્થાઓ સુધારવાની તાકીદ કરી હતી, છતાં વ્હીલચેર જેવી સામાન્ય સુવિધા કેમ ઉપલબ્ધ નથી? શું હોસ્પિટલનું તંત્ર માત્ર VIP મુલાકાતો સમયે જ દોડતું જોવા મળે છે? આ ઘટના બાદ દર્દીઓમાં અને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
