Surat News/ સુરત નાસીરનગર ડિમોલેશન વિવાદમાં કેન્દ્રીય મંત્રી આઠવલેની એન્ટ્રી: SIT તપાસ અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

સુરતના નાસીરનગર ડિમોલેશન (Surat Demolition Case) વિવાદમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની એન્ટ્રી. પુનર્વસન, ગરીબોના હક્ક અને SIT તપાસની માંગ સાથે મામલો વધુ ચર્ચામાં.

Top Stories Gujarat Surat Breaking News
Surat Demolition Case:'ગરીબોનો વોટ માન્ય તો ઝૂંપડું અમાન્ય કેમ?' આઠવલેનો સવાલ

Surat News: સુરતના વેડ દરવાજા નજીક આવેલી આશરે છ દાયકાથી વસેલી નાસીરનગર વસાહત પર થયેલા ડિમોલેશન (Surat Demolition Case)નો મુદ્દો હવે રાજ્યની સીમાઓ પાર કરીને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Surat Demolition Case: આઠવલેએ ઉઠાવ્યો માનવતાનો સવાલ

સુરત મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ ગરીબ પરિવારોના પુનર્વસન વગર ડિમોલેશન (Surat Demolition Case) કરવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો ચૂંટણી દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના મત માન્ય ગણાતા હોય તો તેમના રહેઠાણને અમાન્ય ગણવાની સ્થિતિ કેમ સર્જાય? આઠવલેએ જણાવ્યું કે શહેરોના વિકાસમાં શ્રમિક વર્ગનું મહત્વનું યોગદાન રહ્યું છે અને આવા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા વિના ઘરવિહોણા કરવું યોગ્ય નથી.

SRA મોડેલ અમલમાં મૂકવાની સલાહ

કેન્દ્રીય મંત્રીએ મહારાષ્ટ્રની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) મોડેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સુરતમાં પણ પુનર્વસન આધારિત યોજના પર વિચાર થવો જોઈએ. તેમણે ગરીબ પરિવારોને વૈકલ્પિક આવાસ આપીને વિકાસ પ્રોજેક્ટો આગળ વધારવાની ભલામણ કરી.

કોંગ્રેસ નેતાનો ગંભીર આક્ષેપો સાથે પત્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ને પત્ર લખીને સમગ્ર ડિમોલેશન (Surat Demolition Case) પ્રક્રિયા અંગે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વસાહતમાં રહેતા પરિવારોને પૂરતો સમય અને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી. સાથે જ તેમણે કેટલાક પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસની માંગ કરી છે.

84થી વધુ પરિવારો પર અસર

સ્થાનિક દાવાઓ મુજબ ડિમોલેશન બાદ મોટી સંખ્યામાં પરિવારોને રહેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓનો દાવો છે કે અગાઉ પણ તેઓએ તંત્ર સમક્ષ પુનર્વસનની માંગ કરી હતી. આ મુદ્દે સામાજિક સંગઠનો અને સ્થાનિક આગેવાનો દ્વારા પણ સરકાર પાસે યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.

SIT તપાસ અને સસ્પેન્શનની માંગ

સાયકલવાલાએ પત્રમાં સમગ્ર ઘટનાની સ્વતંત્ર SIT તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ ડિમોલેશન (Surat Demolition Case) દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો, અધિકારીઓની ભૂમિકા અને સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

આ પત્રની નકલો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોને મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. નાસીરનગર ડિમોલેશન વિવાદ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી. કેન્દ્રીય મંત્રીની એન્ટ્રી અને SIT તપાસની માંગ બાદ સમગ્ર મામલે રાજકીય અને વહીવટી દબાણ વધ્યું છે. હવે સરકાર અને તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:નાસીરનગર મુદ્દે ભાજપમાં ગરમાવો, ભાજપ નેતાની પોસ્ટથી વિવાદ

આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન : કાજલ હિન્દુસ્થાનીના ગંભીર આરોપ

આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’