Surat Family Court News : સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવાના મુદ્દે માતા-પિતા વચ્ચેનો વિવાદ હવે કોર્ટ (Court) સુધી પહોંચ્યો છે. સુરતની ફેમિલી કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતાં દીકરીને દીક્ષા ન અપાવવાના મુદ્દે માતાને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું છે. આ મામલો ધાર્મિક આસ્થા અને બાળકના હિત વચ્ચે સંતુલન અંગે ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેરમાં રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે જોડાયેલા પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવાનું રોકવા માટે ફેમિલી કોર્ટ (Family Court) માં અરજી દાખલ કરી હતી. દીકરીને દીક્ષા અપાવવાના મુદ્દે માતા અડગ રહેતાં પિતા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બંને વચ્ચે વિવાદ વધતા આખરે મામલો કાનૂની મંચ પર પહોંચ્યો હતો.
દીકરીની દીક્ષા મુદ્દે કાયદાકીય લડાઈ
પિતા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે માતા છેલ્લા છ મહિનાથી દીકરીને લઈને અલગ રહે છે અને દીકરીને આગામી 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે. પિતાનું માનવું છે કે આટલી નાની ઉંમરે બાળકને દીક્ષા અપાવવી તેના ભવિષ્ય અને અધિકારો પર અસર કરી શકે છે, જેના કારણે તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

ફેમિલી કોર્ટ (Court)નો માતાને આદેશ
આ મામલે સુનાવણી બાદ ફેમિલી કોર્ટે માતાને દીકરીને દીક્ષા ન અપાવવાના મુદ્દે એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશને પગલે આ કેસે વધુ ગંભીર વળાંક લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલો એવો કિસ્સો નથી. આશરે 7 મહિના અગાઉ સુરતમાં 12 વર્ષીય કિશોરની દીક્ષા મુદ્દે પણ માતા-પિતા વચ્ચે વિવાદ ઊભો થયો હતો, જેમાં સુરત કોર્ટે દીક્ષાને લઈ સ્ટે આપ્યો હતો.
7 વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ
આ તરફ, 8મી ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈના બોરીવલી ખાતે પ્રથમ વખત મહારાષ્ટ્રમાં સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાવાનો છે. આ પાંચ દિવસીય મહોત્સવ 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આચાર્ય સૌમસુંદરસૂરીશ્વરજી સહિત અનેક મહારાજના સાંનિધ્યમાં યોજાશે. આ મહોત્સવમાં કુલ 59 મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરશે, જેમાં 18 પુરુષ અને 41 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાં 71 વર્ષના સૌથી વયસ્ક મુમુક્ષુથી લઈને સુરતની આ 7 વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં હવે કોર્ટના આગામી આદેશ પર સૌની નજર મંડાઈ છે, કારણ કે આ નિર્ણય બાળકના હિત, માતા-પિતાના અધિકાર અને ધાર્મિક આસ્થાના મુદ્દે મહત્વપૂર્ણ દાખલો બની શકે છે.
આ પણ વાંચો: સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, 45 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર
આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત
આ પણ વાંચો:સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું

