Surat Gym Trainer Extortion: સુરતના પાલ વિસ્તારમાંથી એક હચમચાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક જીમ ટ્રેનરે શિષ્ય અને ગુરુના સંબંધોને લજવીને 45 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં, મહિલાના પતિને અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી હતી. ગળે કાચ રાખી પૈસા લૂંટનારા આ ખંડણીખોર ટ્રેનર શબ્બીર ટૂંકવાલાને સુરત એસઓજી (SOG) એ દબોચી લીધો છે.
Gym એક્ટિવિટી શીખવવાના બહાને કેળવી હતી નિકટતા
આ ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર મહિલા સાતેક વર્ષ પહેલાં સિટીલાઈટના ‘પુજા L1’ જીમમાં કસરત માટે જતી હતી. ત્યાં જીમ ટ્રેનર તરીકે કામ કરતા શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાએ મહિલાને પોતાની વાતોમાં ફસાવી નિકટતા કેળવી હતી. આરોપીએ પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધા બાદ તેનો ઉપયોગ પૈસા પડાવવા માટે કરવાનું શરૂ કર્યું હતું.
લગ્નજીવન બચાવવા ગયેલા પતિ પર જ હુમલો કર્યો
જ્યારે મહિલાના પતિને આ આડા સંબંધોની જાણ થઈ, ત્યારે તેમણે પોતાનો ઘર-સંસાર બચાવવા માટે શબ્બીર સાથે વાત કરી હતી. જોકે, સુધરવાને બદલે શબ્બીરે અસલી રંગ બતાવ્યો હતો. અઢી મહિના પહેલાં ભૂલકા ભવન સ્કૂલ પાસે તેણે મહિલાના પતિને આંતર્યા હતા અને બાઈકનો કાચ તોડી તેના ટુકડાને પતિના ગળે રાખી દીધા હતા. મોતનો ડર બતાવીને તેણે સ્થળ પર જ ₹50,000 લૂંટી લીધા હતા અને પત્નીના અંગત વિડિયો વાયરલ ન કરવાના બદલામાં વધુ ₹5 લાખની માંગણી કરી હતી.

સુરત પોલીસની જનજાગૃતિથી મળી હિંમત
નોંધનીય છે કે, 9 માર્ચ 2026ના રોજ સુરત એસઓજી દ્વારા જીમ સંચાલકો સાથે બેઠક કરી કડક સૂચનાઓ અપાઈ હતી. સોશિયલ મીડિયા પર પોલીસના આ વીડિયો અને જનજાગૃતિના સંદેશા જોઈને ભોગ બનનાર પતિને હિંમત મળી હતી. તેણે એસઓજીનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રૂદરપુરા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય શબ્બીર ટૂંકવાલાને ઝડપી પાડ્યો હતો.
આરોપીને 10 વર્ષની સજા થઈ શકે છે
સુરત પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(5) મુજબ ગુનો નોંધ્યો છે, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે ચેતવણી આપી છે કે, જો અન્ય કોઈ મહિલા પણ આવા કોઈ ટ્રેનરની જાળમાં ફસાઈ હોય તો ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરે, પોલીસ તેમની ઓળખ ગુપ્ત રાખશે.
આ પણ વાંચો:સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક: અકસ્માત ઘટાડવા કલેક્ટરના મહત્વના નિર્દેશ
આ પણ વાંચો:સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતના યુવાનનું અનોખું સ્ટાર્ટઅપ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે ડિજિટલ કવચ
