Dang Election Boycott: ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામમાંથી લોકશાહીના પર્વ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આઝાદીના વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા ગ્રામજનોએ આ વખતે મક્કમ નિર્ધાર કર્યો છે. રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધા ન મળતા આખા ગામના લોકોએ એકસૂરે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Dang : કાગળ પર ‘હર ઘર નળ’ અને ‘નળ સે જલ’
નિશાણા ગામના લોકોનો મુખ્ય આક્ષેપ એ છે કે સરકારની ‘હર ઘર નળ’ અને ‘નળ સે જલ’ જેવી મોટી યોજનાઓ માત્ર કાગળ પર જ ચાલી રહી છે. વાસ્તવિકતા એ છે કે ગામમાં પીવાના પાણીની કોઈ નક્કર વ્યવસ્થા નથી. ઉનાળો આવતા જ મહિલાઓએ માઈલો દૂર સુધી પાણી લેવા ભટકવું પડે છે. તંત્ર દ્વારા વાતો ઘણી કરવામાં આવે છે, પણ ગામના નળ સુધી પાણી હજુ પહોંચ્યું નથી. પાણીની સાથે રસ્તાની સમસ્યા પણ અહીં વિકરાળ છે. પાકા રસ્તા ન હોવાથી ચોમાસામાં આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે.
સ્થાનિક અને વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર (Boycott)ની ચીમકી
રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પષ્ટ કહી દીધું છે કે, “જ્યાં સુધી સુવિધા નહીં, ત્યાં સુધી મતદાન નહીં.” ગ્રામજનોએ માત્ર આગામી સ્થાનિક ચૂંટણી જ નહીં, પણ વિધાનસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામના યુવાનો અને વડીલોએ એકઠા થઈને વહીવટી તંત્રને સંદેશો આપ્યો છે કે હવે માત્ર વાયદાઓથી કામ નહીં ચાલે, મેદાન પર કામ શરૂ થશે તો જ ગ્રામજનો મતદાન મથક સુધી જશે.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો: લોકશાહી જોખમમાં’! સત્તાપક્ષની ધાકધમકી વિરુદ્ધ કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે
આ પણ વાંચો: કોંગ્રેસના મહિલા ઉમેદવાર બાળકો સાથે ઘર છોડવા મજબૂર, ભાજપ પર હેરાનગતિનો આક્ષેપ
