Congress Delegation Election Commission: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ગલીઓમાંથી નીકળીને ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને લાલચ અને ધાકધમકી આપતા હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે આજે કોંગ્રેસનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન રાજ્ય ચૂંટણી પંચની કચેરીએ દોડી ગયું હતું. પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં નેતાઓએ રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાની મુલાકાત લઈ લોકશાહીના ચીરેચીરા ઉડતા હોવાની લેખિત રજૂઆત કરી હતી.

ઉમેદવારોને લાલચ અને ધમકી આપવાનો આક્ષેપ
ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોને આર્થિક લાલચો આપવામાં આવે છે અને જો તેઓ ન માને તો ધાકધમકી આપીને હેરાન કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવી અશક્ય બની રહી છે.
પુરાવા સાથે ચૂંટણી કમિશનરને મળી Congressની ટીમ
માત્ર મૌખિક આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ આ વખતે પૂરી તૈયારી સાથે પહોંચી હતી. ડેલિગેશને રાજ્ય ચૂંટણી કમિશનરને કેટલાક પુરાવા પણ સોંપ્યા છે, જેમાં ઉમેદવારોને કઈ રીતે પરેશાન કરવામાં આવ્યા છે તેની વિગતો હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્ય ચૂંટણી પંચ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે.
આ પણ વાંચો: નવસારીમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’
