ગુજરાત/ સુરત બન્યું ખાડા સિટી : લાખો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ રોડમાં ગાબડાં : રોડ ધોવાયો કે પ્રજાના પૈસા?

ચોમાસાની સિઝનમાં સુરત શહેર ખાડા સીટી બનવા તરફ આગળ જઈ રહ્યું હોય તેવું રસ્તા પર પડેલા ખાડા પરથી લાગી રહ્યું છે.

Gujarat Surat
સુરત ખાડા

સુરતનાં કતારગામ વિસ્તારમાં ઓવર બ્રિજની નીચે એક મહિના પહેલા જ 27 લાખ રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી બાદ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય એવા વરસાદમાં 27 લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતોની ઘટના પણ આ ખાડાના કારણે ઘટી રહી છે. લોકો ખાડામાં પડી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતની સ્માર્ટ સિટી બનાવવા તરફ આગળ લઈ જવાની વાત કરે છે પરંતુ ચોમાસાની સિઝનમાં સુરત શહેર ખાડા સીટી બનવા તરફ આગળ જઈ રહ્યું હોય તેવું રસ્તા પર પડેલા ખાડા પરથી લાગી રહ્યું છે. કારણ કે સુરતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય એવા વરસાદમાં ખાડા પડી ગયા છે. કતારગામના જે રસ્તા પર ખાડા પડ્યા છે તે રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓ દ્વારા સરખી રીતે રસ્તાની કામગીરી દરમિયાન દેખરેખ ન રાખવામાં આવી હોવાના કારણે આ ખાડા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કતારગામ દરવાજા વિસ્તારમાં પડેલા ખાડા ચોમાસાના કારણે નહીં પરંતુ ભ્રષ્ટાચાર્યના કારણે પડ્યા હોય તેવું પણ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

સુરત ખાડા

જ્યારે સ્થાનિકો દ્વારા આ બાબતે વાતચીત કરવામાં આવી ત્યારે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અવારનવાર આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે પહેલા પ્રમોશન કામગીરીના કારણે મુશ્કેલી પડતી હતી તો ત્યારબાદ રસ્તો બનાવ્યા બાદ ચોમાસામાં ખાડા પડવાનાં કારણે મુશ્કેલી થઈ છે. સ્થાનિકોએ એવું પણ કહ્યું કે, એક વખત રસ્તો બની ગયા બાદ ફરીથી સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પછી નવા રસ્તા પર ડ્રેનેજની કામગીરીને લઈને ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી એ રસ્તા પર ડામરનું કોટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડા પડતા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

જોકે સામાન્ય એવા વરસાદમાં એક મહિના પહેલા જ બનેલા રસ્તા પર મોટા મોટા ખાડા પડતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બીજી તરફ ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

આ પણ વાંચો : કુલ્લુમાં વાદળ ફાટવાથી ભારે તારાજી,અનેક ગામોમાં પૂરની સ્થિતિ,મણિકર્ણમાં પ્રવાસી શિબિરને પણ નુકશાન