Surat Kosad Awas Murder News : ડાયમંડ સિટી સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં રમી રહેલા બાળકોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા પિતા-પુત્ર પર ચાર ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પુત્રનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કોસાડ આવાસમાં નાના બાળકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન ૩૦ વર્ષીય મોહમ્મદ ફરીદ બોમ્બાવાળા ઝઘડો કરી રહેલા બાળકોના પરિવારને સમજાવવા માટે ગયા હતા. જોકે, સમજાવટ કરવા ગયેલા ફરીદ સાથે સામે પક્ષના લોકોએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વિવાદ એટલો વધ્યો કે 4 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો (ચપ્પુ) વડે ફરીદ પર હુમલો કરી દીધો હતો.
પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો
જ્યારે આ ઈસમો ફરીદ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે તેને બચાવવા માટે તેના પિતા વચ્ચે પડ્યા હતા. હુમલાખોરોએ પિતાને પણ છોડ્યા નહોતા અને તેમના પર પણ ચપ્પુથી ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં ફરીદનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Surat અમરોલી પોલીસ એક્શનમાં
આ લોહિયાળ ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં ધોળા દિવસે અને જાહેર વિસ્તારોમાં બનતી આવી ઘટનાઓને પગલે પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો:સોનમ લોકઅપમાં પણ કડક દેખરેખ હેઠળ : જેલમાં નવા કપડા મંગાવ્યા, ગેટઅપ બદલી નાંખ્યો
આ પણ વાંચો:‘રાજા સાથે લગ્ન ગોઠવાયેલા હતા, મારી દીકરી નિર્દોષ છે’, સોનમ રઘુવંશીના પિતાનું મોટું નિવેદન
