Surat Metro Project: ડાયમંડ અને સિલ્ક સિટી સુરતની જનતાને ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક બહુ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. પ્રોજેક્ટની 75 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, અને એક મોટું કદમ ઉઠાવતા આજથી સુરત મેટ્રોના કોરિડોર-2 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) પર સત્તાવાર રીતે ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
Surat: ભેસાણથી અડાજણ રૂટ પર 500 કલાકનું સઘન ટેસ્ટિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરિડોર-2 અંતર્ગત ભેસાણથી લઈને અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટરના રૂટ પર આવતા 7 મેટ્રો સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે.
આજથી આ રૂટ પર શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન મેટ્રો ટ્રેનને આશરે 500 કલાક સુધી ટ્રેક પર દોડાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) અને GEC ના નિષ્ણાત એન્જિનિયરો દ્વારા ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ, સ્પીડ અને તમામ ટેકનિકલ પાસાઓની અત્યંત ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
કોરિડોર-1 પર માર્ચ 2026 થી ચાલી રહ્યું છે પરીક્ષણ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નોર્થ-સાઉથ કોરિડોર (કોરિડોર-1) માં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સુધીના 8.5 કિમીના રૂટ પર ગત 29 માર્ચ, 2026 ના રોજ ટ્રાયલ રનની શરૂઆત કરી દેવામાં આવી હતી. હાલમાં આ રૂટ પર પણ અલગ-અલગ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેના અંતિમ ચરણમાં છે.

સલામતીના કડક ચેકિંગ બાદ જનતા માટે ખૂલશે દરવાજા
ટ્રેનનું 500 કલાકનું ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી શું થશે તે અંગે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, પહેલા ભારત સરકારની ટેકનિકલ સંસ્થા RDSO દ્વારા આકરા ટેકનિકલ માપદંડો પર ટ્રેનની ચકાસણી થશે. ત્યારબાદ સૌથી અગત્યની પ્રક્રિયા મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS) દ્વારા હાથ ધરાશે. CMRS દ્વારા સુરક્ષાનું અંતિમ નિરીક્ષણ કરીને જ્યારે ‘લીલી ઝંડી’ આપવામાં આવશે, ત્યારબાદ જ સુરતની જનતા માટે મેટ્રોની સફર શરૂ થશે. વિકસિત ભારતના સંકલ્પ હેઠળ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી ખુદ આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે, જેથી તેને નિર્ધારિત સમયમર્યાદામાં જનતા માટે ખુલ્લો મૂકી શકાય.
એક નજરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ:
- કુલ ખર્ચ: ₹12,020 કરોડ
- કુલ લંબાઈ:35 કિલોમીટર (બંને કોરિડોર મળીને)
- સ્ટેશનોની સંખ્યા: 38 અદ્યતન મેટ્રો સ્ટેશન
- મેટ્રો ડેપો: ડ્રીમ સિટી અને ભેસાણ ખાતે
- હાલનું સ્ટેટસ: 75% થી વધુ સિવિલ કામગીરી પૂર્ણ
આ પણ વાંચો: સુરત મેટ્રોને મોટી ગતિ: ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે 8.5 કિ.મી. વાયડક્ટ પૂર્ણ, ટ્રાયલ રન શરૂ
આ પણ વાંચો: અમદાવાદ સુરત મેટ્રોના ભૂમિપૂજન બાદ PM મોદીએ પોતાના સંબોધનમાં કહી આ વાત
આ પણ વાંચો: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું
