Ahmedabad Heatwave Alert: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) નો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તાપમાનને લઈને એક ગંભીર ચેતવણી બહાર પાડવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને ધ્યાનમાં રાખીને AMC એ અમદાવાદમાં આગામી બે દિવસ માટે આકરા તાપનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.
બે દિવસ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર
AMC ના આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ, આગામી 15 અને 16 મે ના રોજ અમદાવાદ શહેરમાં આકાશમાંથી રીતસરની આગ વરસવાની છે. આ બે દિવસ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની પ્રબળ સંભાવના છે. આ ભીષણ ગરમીને જોતા તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા કડક અપીલ કરવામાં આવી છે. જોકે, થોડી રાહતની વાત એ છે કે 17 થી 21 મે દરમિયાન તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે, જેના માટે તંત્ર દ્વારા ‘યલો એલર્ટ’ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

Ahmedabad શહેરના 39 વિસ્તારો બન્યા ‘હોટ સ્પોટ’
અમદાવાદ મનપાએ સમગ્ર શહેરના અલગ-અલગ ઝોનમાં સર્વે કરીને કુલ 39 જેટલા વિસ્તારોને ગરમીના ‘હોટ સ્પોટ’ (Hot Spots) તરીકે ચિહ્નિત કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં કોંક્રિટના જંગલો અને વધુ પડતા ટ્રાફિકને કારણે અન્ય વિસ્તારોની સરખામણીએ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. આ વિસ્તારોમાં નાગરિકોને રાહત આપવા માટે AMC દ્વારા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવા અને સાવચેતીના વિશેષ પગલાં લેવા સૂચના અપાઈ છે.
ગરમીથી બચવા AMC ની ખાસ માર્ગદર્શિકા
આકરી ગરમીમાં લૂ અને ડીહાઈડ્રેશનથી બચવા માટે મનપાએ નાગરિકોને કેટલીક સાવચેતી રાખવા જણાવ્યું છે. આ મુજબ, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત, બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના આકરા તડકામાં બિનજરૂરી બહાર જવાનું ટાળવું. ગરમી ઓછી લાગે તે માટે આછા અને હળવા રંગના સુતરાઉ (કોટન) કપડાં પહેરવાનો આગ્રહ રાખવો અને જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે માથું અને ચહેરો રૂમાલ, ટોપી કે દુપટ્ટાથી બરાબર ઢાંકીને રાખવું.
આ પણ વાંચો: કચ્છમાં 44 ડિગ્રી ગરમી વચ્ચે મજૂરોનો આંદોલન,8 કલાકની નોકરી અને સુરક્ષા સાધનોની માંગ
આ પણ વાંચો: સુરત અને વડોદરામાં ગરમીથી 2 ના મોત, હોસ્પિટલો એલર્ટ મોડ પર
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં OPD કેસ 11 હજાર પાર, 1100 દર્દી દાખલ
