Surat News : સુરતના સાંસદ મુકેશ દલાલે મતદાર યાદીમાં મોટી સંખ્યામાં મતદારો ગાયબ થવાની શંકા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર અને સુરત (Surat)મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી આ મુદ્દો સામે આવ્યો છે. પત્ર જાહેર થતાં જ સુરતની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સુરત (Surat)કેટલાક વિસ્તારોમાં અનેક ઘરો પર તાળા
સાંસદ દલાલે પત્રમાં જણાવ્યું છે કે, સુરત (Surat)કેટલાક વિસ્તારોમાં અનેક ઘરો પર તાળા દેખાઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો અચાનક ગાયબ થઈ જવું શંકાસ્પદ છે. મતદારો સાચા હોય તો તપાસના ડરથી ભાગ્યા કેમ—આવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. સાથે જ તેમણે પૂછ્યું છે કે આ લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા અને તેમનું ગાયબ થવું શહેરની શાંતિ અને સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે.
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલમાં BLO-1 અને BLO-2 દ્વારા ઘરે-ઘરે જઈ મતદાર યાદીના શુદ્ધિકરણની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે, જેઓ ભારતના નાગરિક નથી અથવા ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે.
સાંસદે સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોનો હવાલો આપતાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, જ્યારે BLOની ટીમ સુરત(Surat)ના કેટલાક કુખ્યાત ગણાતા વિસ્તારોમાં નોંધણી અને ચકાસણી માટે પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરોને તાળા મારી ગાયબ થઈ ગયા હતા. તેમણે તંત્રને ગાયબ થયેલાં લોકોને શોધી કાઢવા તપાસ હાથ ધરવાની અને આવા લોકોના સંભવિત ગુનાહિત ઇતિહાસની પણ ચકાસણી કરવાની માગ કરી છે.
આ પત્ર સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને મતદાર યાદીની પારદર્શિતા, શહેરની સુરક્ષા તથા તંત્રની જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા લેવામાં આવનાર પગલાં અને તપાસની દિશા પર સૌની નજર ટકી છે.
