Surat Crime News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં કુખ્યાત સતીશ ઉર્ફે સતીશ મરાઠાની થયેલી હત્યાના કેસમાં (Satish Maratha Murder Case) ચોંકાવનારી વિગતો સામે આવી છે. 5 ઓગસ્ટ, બુધવારે ભીમનગર સરસ્વતી આવાસ મંદિર નજીક જાહેરમાં થયેલી હત્યાનો LIVE વીડિયો સામે (Surat Murder) આવ્યો છે. અગાઉથી ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ સતીશને ઘેરીને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફાયરિંગની ઘટના પણ બની હતી.
Satish Maratha Murder Case: ભેસ્તાનમાં ફિલ્મી ઢબે હત્યા
ઘટનાની વિગતો મુજબ સતીશ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાનના સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અગાઉથી વોચ રાખી રહેલા કેટલાક સગીરો બાઈક પર ત્યાં પહોંચ્યા હતા અને કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો.
સતીશ કારમાંથી બહાર આવતાં જ આસપાસ હાજર અન્ય હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવાર, ધારિયું, કુહાડી અને ચપ્પુ જેવા હથિયારોથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સતીશે બચવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV/LIVE દૃશ્યો સામે આવતા પોલીસ તપાસમાં વધુ મહત્વના પુરાવા મળ્યા છે.

સુરત અને તાપી પોલીસનું સંયુક્ત ઓપરેશન
હત્યાની ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCBની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસ ટીમોએ તેમનો પીછો કર્યો હતો.આ કાર્યવાહીમાં ચાર આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે, જ્યારે વધુ એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
જૂની અદાવતમાંથી હત્યાનું કાવતરું
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ સતીશ મરાઠાની હત્યા પાછળ જૂની દુશ્મની (Old Enmity Murder) , દારૂના ધંધામાં વર્ચસ્વ અને અગાઉના હુમલાઓની અદાવત મુખ્ય કારણો પૈકીના હોવાનું સામે આવ્યું છે.
ફેબ્રુઆરીમાં ગોડાદરા વિસ્તારમાં ગણેશ ખુટિયા ઉર્ફે કાલુ માલીયા પર થયેલા હુમલાના કેસમાં કેતન ઉર્ફે સન્ની સીરસાઠ અને રાહુલ દુબે સહિતના આરોપીઓ લાજપોર જેલમાં ગયા હતા. જેલમાં તેમની મુલાકાત ગુજસીટોક હેઠળ જેલમાં રહેલા રાહુલ સોમન મંડલ સાથે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ રાહુલ મંડલે સતીશ મરાઠા સામેની અદાવતને ધ્યાનમાં રાખીને તેને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી.
અગાઉ પણ સતીશ પર હુમલાનો પ્રયાસ
સતીશ મરાઠાને નિશાન બનાવવાનો આ પહેલો પ્રયાસ નહોતો. આશરે દોઢ મહિના પહેલાં ગોડાદરા બ્રિજ નીચે પણ સતીશ પર હુમલો કરવામાં આવ્યો હતો, જોકે તે સમયે તે બચી ગયો હતો.
પોલીસ તપાસ મુજબ સતીશની અનેક લોકો સાથે અદાવત હતી. બીજી તરફ, આરોપી પક્ષને એવી આશંકા હતી કે સતીશ ફરીથી તેમના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. આ કારણોસર તેને નિશાન બનાવીને કાવતરું ઘડવામાં આવ્યું હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
દારૂના સ્ટેન્ડને લઈને પણ વિવાદ
સતીશ મરાઠા અને જેલમાં બંધ રાહુલ મંડલ વચ્ચે દારૂના સ્ટેન્ડ ચલાવવાના મુદ્દે લાંબા સમયથી વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાહુલ મંડલ જેલમાં ગયા બાદ સતીશે ગોડાદરા વિસ્તારમાં પોતાનું નેટવર્ક મજબૂત કર્યું હોવાનો દાવો પણ તપાસમાં થઈ રહ્યો છે.સતીશ બાદમાં ચોકબજારના પંડોળ વિસ્તારમાં પણ પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વિસ્તાર સાથે રાહુલ મંડલનું પણ જોડાણ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વર્ચસ્વની લડાઈએ જૂની અદાવતને વધુ વકરાવી હોવાનું પોલીસ માની રહી છે.
સૂર્યા મરાઠીની હત્યા જેવી જ યોજના
પોલીસ તપાસમાં એવો પણ દાવો સામે આવ્યો છે કે સતીશ મરાઠાને ખતમ કરવા માટે સૂર્યા મરાઠીની હત્યાની જેમ આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ મંડલે માથાભારે અને ઝનૂની યુવકો ઉપરાંત સગીરોને સાથે લઈને એક ગેંગ તૈયાર કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.સતીશ સામે અગાઉના બે પ્રયાસો નિષ્ફળ ગયા બાદ આ વખતે વધુ આયોજનબદ્ધ રીતે હુમલો કરવાની યોજના બનાવાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
જેલમાંથી કાવતરું ઘડાયું હોવાની તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર કેતન ઉર્ફે સન્ની અને રાહુલ ઉર્ફે બટકો અગાઉ લાજપોર જેલમાં રાહુલ મંડલને મળવા ગયા હતા. ત્યાં સતીશને નિશાન બનાવવા માટે જરૂરી લોકો અને હથિયારોની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.હુમલા માટે પિસ્તલ અને અન્ય હથિયારોની વ્યવસ્થા કરવા ઉપરાંત ધારદાર હથિયારો મેળવવા માટે પણ સૂચના આપવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.
ભાગળમાંથી હથિયારો ખરીદાયા
હત્યાના કાવતરાને અંજામ આપવા માટે તલવાર, ધારિયું, કુહાડી અને ચપ્પુ જેવા હથિયારો સુરતના ભાગળ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હોવાની માહિતી પોલીસને મળી છે.પોલીસે સ્થળ પરથી એક ધારિયું અને ચપ્પુ સહિતના પુરાવા મેળવ્યા છે. બાકીના હથિયારો ક્યાં છે તેની શોધખોળ ચાલી રહી છે. સાથે જ સતીશનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
હાલ 9 આરોપીઓ ઝડપાયા, એક ફરાર

આ કેસમાં અત્યાર સુધીમાં નીચેના આરોપીઓની સંડોવણી સામે આવી છે:
કેતન ઉર્ફે સન્ની સીરસાઠ
રાહુલ ઉર્ફે બટકો
કરણ ઉર્ફે પૂદુલ હીરામળી દુબે
અજીત ઉર્ફે જસ્ટિન ગોસ્વામી
આકાશ બટકો
રાહુલ સોમન મંડલ — હાલ જેલમાં બંધ
રિંકુ — હાલ ફરાર
કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોર
આ ઉપરાંત તપાસ દરમિયાન એક વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓને (9 Arrested) ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર આરોપી રિંકુ સહિત સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
પાંચ આરોપીઓ રિમાન્ડ પર
હાલમાં હત્યામાં સીધી રીતે સંડોવાયેલા પાંચ આરોપીઓને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જ્યારે હત્યાના કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા જેલમાં બંધ રાહુલ મંડલનો ભેસ્તાન પોલીસ આગામી દિવસોમાં કબજો મેળવવાની કાર્યવાહી કરશે.પોલીસ હવે આરોપીઓ વચ્ચેના સંપર્ક, હથિયારોની ખરીદી, ઘટનાના દિવસે સતીશનું લોકેશન હુમલાખોરો સુધી કેવી રીતે પહોંચ્યું અને સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં તે અંગે તપાસ આગળ વધારી રહી છે.
CCTV અને ટેકનિકલ પુરાવાથી તપાસ આગળ
હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ માટે તપાસ વધુ સરળ બની છે. CCTV ફૂટેજ ઉપરાંત મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ્સ અને આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર કાવતરાની કડી જોડવામાં આવી રહી છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા બાકીના હથિયારો શોધવા માટે તપાસ તેજ કરી રહી છે. જૂની અદાવત અને વિસ્તારમાં વર્ચસ્વની લડાઈમાંથી થયેલી આ હત્યાએ સુરતના ગુનાખોરીના માહોલ અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: રાજકોટના કણકોટમાં ચોંકાવનારી ઘટના, સગીર પુત્ર સામે પિતાની હત્યાનો આરોપ
આ પણ વાંચો: સુરતમાં મિત્રની હત્યાનો કલાકોમાં ભેદ ઉકેલાયો: ‘તારી પત્ની ભાગી ગઈ’ કહી મશ્કરી કરતા મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
આ પણ વાંચો: ‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી બે વર્ષ સુધી પરિવારને ભટકાવ્યા, હવે ખુલ્યો હત્યાનો સનસનાટીભર્યો રાજ
