Surat Security Guard PM Modi Invitation: કહેવાય છે કે જ્યારે મનમાં દેશભક્તિનો જુસ્સો અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, ત્યારે નસીબ પણ નવા રસ્તા ખોલી દે છે. સુરતની SVNIT કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બન્યું છે. વર્ષોથી શહીદોની વિગતો એકત્ર કરનારા આ સામાન્ય માનવીની અસાધારણ સેવાને ઓળખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ દિલ્હીનું નિમંત્રણ પાઠવ્યું છે.

ખાતામાં હતા માત્ર 102 રૂપિયા
જીતેન્દ્રસિંહની આર્થિક સ્થિતિ ખૂબ જ સાધારણ છે. જ્યારે 10 દિવસ પહેલા વડાપ્રધાન કાર્યાલય (PMO) માંથી તેમને 26મી જાન્યુઆરીની પરેડ માટે દિલ્હી આવવાનું આમંત્રણ મળ્યું, ત્યારે તેઓ એક લગ્ન પ્રસંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ડ્યુટી કરી રહ્યા હતા.
તે સમયે તેમના બેંક ખાતામાં માત્ર 102 રૂપિયા જ હતા. તેમણે PMOમાં પોતાની આર્થિક સ્થિતિ જણાવી કે ટિકિટ કરાવવા જેટલા પૈસા તેમની પાસે નથી. જોકે, તેમની વર્ષોની તપસ્યા જોઈને PMO દ્વારા જ તેમની અને તેમના પત્નીની ફ્લાઈટ ટિકિટો બુક કરાવી દેવામાં આવી છે. જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની જીવનમાં પ્રથમ વખત વિમાન પ્રવાસ કરીને પ્રજાસત્તાક પર્વના સાક્ષી બનશે.
2 લાખથી વધુ શહીદોનો ડેટાબેઝ તૈયાર કર્યો
જીતેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી એક અનોખા મિશન પર છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને વર્ષ 2026 સુધીના 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા એકત્ર કર્યા છે. એટલું જ નહીં, તેમણે હજારો શહીદ પરિવારોને પોસ્ટકાર્ડ લખીને પોતાની સંવેદના પણ પહોંચાડી છે. વડાપ્રધાન મોદીએ અગાઉ ‘મન કી બાત’માં પણ તેમની આ સેવાની પ્રશંસા કરી હતી.
“મેં આખી જિંદગી સિક્યુરિટીની નોકરી કરી છે, ક્યારેય આટલી મોટી જગ્યાએ નથી ગયો. મારા પરિવારના લોકો જવાન તરીકે પરેડમાં ગયા છે, પણ આજે હું મહેમાન તરીકે જઈ રહ્યો છું. આ મારી દેશભક્તિનું સૌથી મોટું સન્માન છે.” – જીતેન્દ્રસિંહ રાઠોડ

પીએમ મોદી સામે રાખશે ‘શહીદ સ્મારક હોલ’નો પ્રસ્તાવ
જીતેન્દ્રસિંહનો ઉદ્દેશ્ય માત્ર ડેટા ભેગો કરવાનો નથી. તેઓ આ માહિતીને એક ભવ્ય ‘શહીદ સ્મારક હોલ’નું સ્વરૂપ આપવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં એક એવું સ્મારક બને જે આવનારી પેઢીને રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપે. વડાપ્રધાન સાથેની મુલાકાતમાં તેઓ આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરશે.
તેમનું સપનું છે કે આ હોલ દ્વારા દેશને નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ મળે. સુરતના આ ‘ગુમનામ દેશભક્ત’ની વાર્તા આજે લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે.
આ પણ વાંચો: અમદાવાદના DE0ની શાંતિ એશિયાટિક સામે આકરાં પગલાંની ભલામણ
આ પણ વાંચો: આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી
આ પણ વાંચો: દારૂની હોમ ડિલિવરી કરતો હતો સગીર, તસ્કરો આપતા હતા પગાર અને કમિશન
