Surat News/ 5.58 કરોડ પાણીમાં? સુરતમાં શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો

સુરતના લસકાણામાં રખડતા શ્વાનો (Stray Dog) એ સાડા ત્રણ વર્ષના બાળકને ફાડી ખાતા ચકચાર. મનપાના કરોડોના ખર્ચ છતાં શ્વાનોનો ત્રાસ યથાવત.

Top Stories Gujarat Surat
Surat Stray Dog Attack News

Surat Stray Dog Attack News: ડાયમંડ સિટી સુરતમાં રખડતા શ્વાનોનો ભય ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના લસકાણા વિસ્તારમાં રખડતા શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળકને ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને માથા અને શરીરના ભાગે 30 થી વધુ ટાંકા આવ્યા છે.

Surat Stray Dog Attack News

ઘર પાસે રમી રહેલા માસૂમ પર Stray Dogનો હુમલો 

મળતી માહિતી મુજબ, લસકાણાના વાલક પાટિયા પાસે આવેલ ‘કરૂણેશ હોમ ગ્રીન વેલી’માં વોચમેન તરીકે ફરજ બજાવતા હિમલ બાયકનો 3.5 વર્ષનો પુત્ર ગણેશ સવારે ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક 4 થી 5 હિંસક શ્વાનોનું ઝુંડ ત્યાં ધસી આવ્યું હતું અને માસૂમ ગણેશ પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકના માથા અને શરીરના અન્ય ભાગોમાં નિર્દયતાથી બચકા ભરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

લોકોએ દોડી આવી બાળકનો જીવ બચાવ્યો

બાળકનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધો હતો. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકના શરીરે 30 થી 35 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

Surat Stray Dog Attack News

કરોડોનો ખર્ચ છતાં પરિણામ ‘શૂન્ય’

સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન નિયંત્રણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરમાં કૂતરાઓનો ત્રાસ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં રસીકરણ અને ખસીકરણ પાછળ ₹5.58 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, જેમાં સરેરાશ એક કૂતરા પાછળ ₹1268 ખર્ચવામાં આવ્યા હોવાનો અંદાજ છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 44 હજારથી વધુ શ્વાનોનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, શ્વાનોના હુમલામાં માસૂમ બાળકોના મોત અને ઇજાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

તંત્ર સામે સ્થાનિકોનો રોષ

પાલિકા દ્વારા શરૂઆતમાં ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા જેવી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હાલ આ કામગીરી ઠપ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. લોકો હવે માગ કરી રહ્યા છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી કરવાને બદલે રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા નક્કર પગલાં ભરે.


આ પણ વાંચો: જૂનાગઢમાં રખડતા શ્વાનોનો આતંક,  7 વર્ષના નાના બાળક પર 5 શ્વાનોએ કર્યો હુમલો

આ પણ વાંચો:રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત

આ પણ વાંચો:રાજકોટના શાપરમાં 5 શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત