Surat News/ સુરતની આ સૈનિક સ્કૂલમાં બાળકોને અપાઈ રહી છે આર્મીની ટ્રેનિંગ

Suratના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં ₹50 કરોડના ખર્ચે નિર્મિત સૈનિક સ્કૂલમાં આદિવાસી બાળકોને ધોરણ 6 થી 12 સુધીનું મફત શિક્ષણ અને લશ્કરી તાલીમ અપાઈ રહી છે.

Gujarat Top Stories Surat
Surat Sainik School

Surat Sainik School: ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી (વનબંધુ) પરિવારોના સંતાનો હવે દેશની સરહદો સાચવવા માટે સજ્જ થઈ રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાંથી એક અત્યંત પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે. અહીં આવેલી સૈનિક સ્કૂલમાં આદિવાસી દીકરા-દીકરીઓને લશ્કરી તાલીમ અને શિક્ષણ આપીને ભારતીય સેનાના ભાવિ અધિકારીઓ તરીકે ઘડવામાં આવી રહ્યા છે.

Surat : ₹50 કરોડના ખર્ચે નિર્મિત છે અદ્યતન કેમ્પસ

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વાડી ગામમાં એક ભવ્ય પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. અહીં ₹50 કરોડના માતબર ખર્ચે 20 એકરમાં પથરાયેલું એક અદ્યતન કેમ્પસ બનાવવામાં આવ્યું છે. આ સૈનિક સ્કૂલમાં વનબંધુ બાળકોને ધોરણ 6 થી 12 સુધીનું સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ અને સૈન્ય તાલીમ આપવામાં આવે છે. હાલમાં અંદાજે 372 વિદ્યાર્થીઓ અહીં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક સાયન્સ લેબ અને વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી હાઈ-ટેક સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે.

Surat Sainik School

વિદ્યાર્થી દીઠ ₹80,000 ની સરકારી સહાય

આદિવાસી વિસ્તારના આ તેજસ્વી તારલાઓને આર્થિક પરિસ્થિતિ નડતરરૂપ ન બને તે માટે રાજ્ય સરકાર વિશેષ કાળજી લઈ રહી છે. પ્રત્યેક વિદ્યાર્થી પાછળ વાર્ષિક ₹80,000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ રકમમાંથી વિદ્યાર્થીઓના શિક્ષણ, રહેઠાણ (હોસ્ટેલ), પૌષ્ટિક ભોજન અને ગણવેશ સહિતની તમામ વ્યવસ્થાઓ મફત પૂરી પાડવામાં આવે છે.

નિવૃત્ત લશ્કરી અધિકારીઓના માર્ગદર્શનમાં તાલીમ

વાડી ગામના આ મેદાનમાં હવે વહેલી સવારે ખાખી વર્દીમાં સજ્જ બાળકોના કદમતાલ, ‘સાવધાન-વિશ્રામ’ અને ‘ફ્લેગ માર્ચિંગ’ ના અવાજો ગુંજે છે. અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ નિવૃત્ત લશ્કરી અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સેનાના શિસ્તબદ્ધ જીવન અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવવામાં આવે છે. શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવીને આ બાળકોને દેશના શ્રેષ્ઠ સૈનિક અને રમતવીર બનવા માટે તૈયાર કરાઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી વિકાસની આ યોજના ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહી છે. જંગલના આ સંતાનો હવે પોતાના સપનાઓને આકાશ સુધી પહોંચાડવા અને ભારતીય સેનામાં જોડાઈને મા ભોમની રક્ષા કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.


આ પણ વાંચો : Suratને વધુ એક Flyover મળશે, ટ્રાફિક જામથી મળશે રાહત

આ પણ વાંચો : Surat : હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી

આ પણ વાંચો : સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ