Surat News: સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં સ્વચ્છતાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેસુ VIP રોડ પર ફાયર સ્ટેશન અને હેલ્થ સેન્ટરની બાજુમાં છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલા (Vesu Garbage Problem) જોવા મળી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આરોગ્ય સેવા આપતા કેન્દ્રની આસપાસ જ ગંદકી ફેલાતા મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
હેલ્થ સેન્ટર આવતા દર્દીઓ પણ પરેશાન
કચરાનો સમયસર નિકાલ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ((Vesu Garbage Problem)) ફેલાઈ રહી છે. હેલ્થ સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓ ઉપરાંત નજીકમાં રહેતા લોકો અને ગાર્ડનમાં આવતા મુલાકાતીઓને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કચરાના ઢગલા (Vesu Garbage Problem)ને કારણે રસ્તા પરથી પસાર થતી વખતે લોકોને નાક બંધ કરવાની ફરજ પડે છે. લાંબા સમયથી કચરો જમા રહેતા આસપાસ મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
Vesu Garbage Problem: ગંદકીથી રોગચાળાનો ભય
સ્થાનિકોનું કહેવું છે કે હેલ્થ સેન્ટર જેવી જગ્યાની આસપાસ સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. કચરો લાંબા સમય સુધી પડ્યો રહે તો દુર્ગંધ ઉપરાંત મચ્છર અને જીવાતોનું પ્રમાણ વધી શકે છે. જેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાને લઈને પણ લોકો ચિંતિત છે.
કચરો ફેંકનાર સામે દંડની માગ
સ્થાનિક રહીશોએ માત્ર કચરો ઉઠાવી લેવાની જગ્યાએ સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી છે. જાહેર સ્થળે કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.સાથે જ કચરો એકઠો થતો હોય તેવા સ્થળે સુરક્ષા ગાર્ડ અથવા દેખરેખ માટે કર્મચારી તૈનાત કરવામાં આવે, જેથી લોકો જાહેર જગ્યાએ મનફાવે તેમ કચરો ન ફેંકે તેવી પણ માગ ઉઠી છે.
મનપા કમિશનરને રૂબરૂ રજૂઆત કરશે સ્થાનિકો
વેસુ વિસ્તારની આ સમસ્યાથી કંટાળેલા આસપાસની સોસાયટીઓના આગેવાનો હવે એકત્રિત થઈ રહ્યા છે. સ્થાનિક આગેવાનો આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળી સમગ્ર મામલે રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.
રજૂઆત દરમિયાન કચરાનો તાત્કાલિક નિકાલ, નિયમિત સફાઈ, ગંદકી ફેલાવનાર સામે દંડ અને ભવિષ્યમાં ફરી કચરો ન જમા થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવશે.હવે સ્થાનિકોની રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ માટે કયા પગલાં લેવામાં આવે છે અને કચરાની સમસ્યાનો કેટલો ઝડપી ઉકેલ આવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે કચરાનો પહાડ! સુરતમાં બાયોડાયવર્સિટી પાર્ક સામે ગંદકીનું સામ્રાજ્ય
આ પણ વાંચો:સુરતની સ્વચ્છતાની વાસ્તવિકતા, એવોર્ડની ચમક વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય
આ પણ વાંચો:સુરત જહાંગીરપુરામાં ગટરનો ત્રાસ, 10 હજારથી વધુ લોકો પરેશાન; બોરના પાણીમાં ગટર ભળ્યાનો આક્ષેપ
