Vadodara News: વર્ષ 2021માં સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર Sweety Patel Murder Caseમાં કરજણ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તત્કાલીન PI અજય અમૃત દેસાઈને સ્વીટી પટેલની હત્યામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર સહ-આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
Sweety Patel Murder Case: PI અજય દેસાઈને આજીવન કેદ
કરજણમાં વર્ષ 2021માં બનેલી સ્વીટી પટેલ હત્યા કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર અજય અમૃત દેસાઈ (Police Inspector Ajay Amrut Desai)ને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી છે. હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજા (Kirit Singh Jadeja)ને પણ કોર્ટે દોષિત ઠેરવી 5 વર્ષની કેદની સજા ફટકારી છે. સ્વીટી પટેલ 5 જૂન 2021થી ગુમ થયા બાદ આ કેસે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. તપાસ આગળ વધતા પોલીસને શંકાની દિશા તેના પતિ અજય દેસાઈ તરફ ગઈ હતી.
સ્વીટી અને અજય વચ્ચેના સંબંધમાં વધતો વિવાદ
સ્વીટી પટેલના અગાઉ હેતસ મહેશ પંડ્યા સાથે લગ્ન થયા હતા અને તેમને બે પુત્રો હતા. વર્ષ 2014માં બંને વચ્ચે અણબનાવ વધ્યા બાદ પરસ્પર સહમતિથી છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2015માં સ્વીટીની મુલાકાત અજય દેસાઈ સાથે થઈ હતી. બંને વચ્ચે સંબંધો વિકસ્યા અને 2016માં રૂપાલના એક મંદિરમાં લગ્ન કર્યા હોવાની માહિતી તપાસ દરમિયાન સામે આવી હતી. જોકે, ત્યારબાદ અજય દેસાઈએ 2017માં અન્ય યુવતી સાથે સામાજિક રીતે લગ્ન કર્યા હતા. આ બાબતને લઈને સ્વીટી અને અજય વચ્ચે વારંવાર વિવાદ થતો હોવાનો આરોપ હતો. સ્વીટી અને અજયને એક પુત્ર પણ હતો. આમ સ્વીટી ત્રણ પુત્રોની માતા બની હતી. જોકે, અજયના બીજા લગ્ન બાદ બંને વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો ગયો હતો.
4 જૂનની રાત્રે શું બન્યું?
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, 4 જૂનની રાત્રે સ્વીટી અને અજય વચ્ચે લગ્નજીવનને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી તેની હત્યા (Sweety strangled to death)કરી હોવાનો કેસમાં આરોપ મૂકાયો હતો. બીજા દિવસે સવારે મૃતદેહને વાહનમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અજય દેસાઈએ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. બંને મૃતદેહને કરજણથી આમોદ અને વાગરા થઈ દહેજ હાઈવે તરફ લઈ ગયા હતા અને અટાલી નજીક અવાવરુ સ્થળે મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો.
25 જૂને અજય દેસાઈએ કર્યો હતો ખુલાસો
સ્વીટીના ગુમ થયા બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન અનેક પાસાં સામે આવ્યા હતા. અંતે 25 જૂન 2021ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અજય દેસાઈએ સ્વીટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, ત્યારબાદ કેસની તપાસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો હતો. હવે વર્ષો સુધી ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ કરજણ કોર્ટે અજય દેસાઈને આજીવન કેદ (Life imprisonment)અને કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા સંભળાવી છે. સ્વીટીના ત્રણ પુત્રો માતાની છત્રછાયા વિના રહી ગયા હતા. આ ચુકાદા સાથે ગુજરાતને હચમચાવી દેનારા આ કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક તબક્કો પૂર્ણ થયો છે.
આ પણ વાંચો: રાજકોટના ભક્તિનગરમાં પિતાએ ઊંઘતા પુત્રની હથોડા વડે હત્યા, બાદમાં પોલીસ સમક્ષ સરન્ડર
