Panchmahal News/ એક તરફ 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, બીજી તરફ સ્મશાન સુધી પહોંચવા પાણીમાં ચાલતા ગ્રામજનો!

પંચમહાલના બામરોલી ખુર્દ ગામમાં અંતિમયાત્રા માટે ગ્રામજનોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા નાળુ બનાવવાની માગ.

Gujarat Others Breaking News
crematorium

Panchmahal News: પંચમહાલના ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામમાં ચોમાસા દરમિયાન સર્જાતી મુશ્કેલીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  પાણી ભરાવાના કારણે સ્મશાન (Crematorium) સુધી જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને પોતાના સ્વજનની અંતિમયાત્રા પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવાની ફરજ પડી રહી છે. વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્મશાન(Crematorium) જવા પાણીમાંથી થવુ પડે છે પસાર

ગોધરા (Godhra)તાલુકાના બામરોલી ખુર્દ ગામમાં ચોમાસું શરૂ થતાં જ મેશરી નદી (Meshri River)નું પાણી માર્ગ પર ફરી વળે છે. ખાસ કરીને સ્મશાન તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો માટે અવરજવર મુશ્કેલ બની જાય છે. સ્થિતિ એટલી ગંભીર બને છે કે ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે અંતિમવિધિ માટે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે પરિવારજનો અને ગ્રામજનોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિના દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ચોમાસામાં દર વર્ષે સર્જાય છે ગંભીર સમસ્યા

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બામરોલી ખુર્દમાં આ સમસ્યા નવી નથી. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન મેશરી નદીમાં પાણીનો પ્રવાહ વધે છે અને રસ્તા પર પાણી ફરી વળે છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી માત્ર અંતિમયાત્રા જ નહીં, પરંતુ સામાન્ય અવરજવર પણ મુશ્કેલ બની જાય છે. ગામના લોકો માટે વરસાદી સિઝનમાં સ્મશાન સુધી પહોંચવું એક મોટો પડકાર બની જાય છે.

વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં

ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષે ચોમાસું આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા (Waterlogging problem)ઊભી થાય છે અને ગ્રામજનોને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

નાળુ અથવા કોઝવે બનાવવાની ઉગ્ર માગ

બામરોલી ખુર્દ (Bamroli Khurd)ના ગ્રામજનોએ હવે તાત્કાલિક ધોરણે મેશરી નદીના પાણીના માર્ગ પર યોગ્ય નાળુ અથવા કોઝવે બનાવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે પાકું નાળુ અથવા કોઝવે બની જાય તો ચોમાસામાં પાણીનો નિકાલ થઈ શકે અને સ્મશાન તથા ગામનો સંપર્ક માર્ગ પણ સરળ બની શકે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ વ્યવસ્થા કરવાને બદલે કાયમી ઉકેલ લાવવામાં આવે. ખાસ કરીને અંતિમવિધિ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ ન પડે તે માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


આ પણ વાંચો: સતલાસણાના વાવ ગામે સ્મશાનના રસ્તા મુદ્દે રેલી, મામલતદારને આવેદનપત્ર

આ પણ વાંચો: વડોદરા ગોત્રી સ્મશાન પાસે કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો, માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય

આ પણ વાંચો: વરસાદ વચ્ચે વેરાવળ સ્મશાનમાં અવ્યવસ્થા, ગેસ ભઠ્ઠી શરૂ કરવા માગ