Business News: 1947માં ભારત આઝાદ થયું ત્યારે સોનું (Gold Price), પેટ્રોલ, ચાંદી અને અન્ય રોજિંદી ચીજવસ્તુઓના ભાવ આજની સરખામણીએ ખૂબ જ ઓછા હતા. 2026 સુધીમાં આ કિંમતોમાં થયેલો વધારો ખરેખર ચોંકાવનારો છે. ખાસ કરીને સોનું 88થી વધીને 1.52 લાખ અને પેટ્રોલ પૈસામાંથી વધીને 100ને પાર પહોંચી ગયું છે.
Gold Price: 88નું સોનું આજે 1.52 લાખ
આઝાદીના વર્ષ 1947માં 10 ગ્રામ સોનાની કિંમત આશરે 88.62 હતી. આજે 2026માં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 1,52,447 સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 80 વર્ષના સમયગાળામાં સોનાના ભાવમાં અસાધારણ વધારો થયો છે. સોનું ભારતીય પરિવારો માટે માત્ર રોકાણ જ નહીં પરંતુ લગ્ન અને તહેવારો સાથે જોડાયેલી પરંપરા પણ છે. જોકે, હાલના ભાવને કારણે સામાન્ય પરિવાર માટે સોનું ખરીદવું પહેલાં કરતાં ઘણું મુશ્કેલ બન્યું છે.
ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો
1947માં 1 કિલો ચાંદીનો ભાવ (Silver price)આશરે 106 હતો. આજે 2026માં ચાંદીના ભાવમાં પણ અનેકગણો વધારો થયો છે. હાલના સ્થાનિક બજારના આંકડા પ્રમાણે 1 કિલો ચાંદી આશરે 2.33 લાખ આસપાસ છે. જાન્યુઆરી 2026 દરમિયાન ચાંદીનો ભાવ 4 લાખ પ્રતિ કિલોને પણ પાર ગયો હતો. ત્યારબાદ ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં 1947ની સરખામણીમાં આજનો ભાવ અનેકગણો વધારે છે.
Petrol Price: 27 પૈસાથી 102 સુધી પહોંચી કિંમત
આઝાદીના સમયે પેટ્રોલ પણ સામાન્ય લોકો માટે આજની સરખામણીએ અત્યંત સસ્તું હતું. 1947માં એક લિટર પેટ્રોલની કિંમત આશરે 25થી 27 પૈસા હતી. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આશરે 102.12 પ્રતિ લિટર છે. એટલે કે પેટ્રોલના ભાવમાં પણ દાયકાઓ દરમિયાન મોટો વધારો નોંધાયો છે. ઈંધણના ભાવની સીધી અસર પરિવહન, માલસામાન અને સામાન્ય જીવનના ખર્ચ પર પડે છે.
ખાદ્ય ચીજોના ભાવમાં પણ મોટો ફેરફાર
1947માં સરસવનું તેલ આશરે 15થી 20 પૈસા પ્રતિ લિટર મળતું હતું. આજે તેની કિંમત 175થી 300 કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. તે જ રીતે, ત્યારે માત્ર થોડા પૈસામાં મળતું એક ઈંડું આજે આશરે 10થી 12માં વેચાય છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા 80 વર્ષમાં દેશના અર્થતંત્ર, આવક, ઉત્પાદન ખર્ચ અને જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે.
Dollar સામે રૂપિયાની કિંમતમાં પણ મોટો ફેરફાર
1947માં એક અમેરિકન ડોલરb (American Dollar)ની કિંમત આશરે 3.30 હતી. આજે ભારતીય રૂપિયો ડોલર સામે લગભગ 95ના સ્તરને પાર પહોંચી ગયો છે. આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થાએ લાંબી સફર ખેડી છે. આ દરમિયાન દેશનો વિકાસ થયો, લોકોની આવક અને વપરાશની ક્ષમતા વધી, પરંતુ સાથે જ અનેક ચીજવસ્તુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 1947 અને 2026ના આ ભાવોની સરખામણી ભારતના આર્થિક પરિવર્તનની એક રસપ્રદ તસવીર રજૂ કરે છે.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો; વૈશ્વિક બજારમાં સોનું 4400 ડોલરની નીચે ગગડ્યું
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન: રૂ.1.33 કરોડનું સોનું જપ્ત, 3 મુસાફરો ઝડપાયા
