Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન: રૂ.1.33 કરોડનું સોનું જપ્ત, 3 મુસાફરો ઝડપાયા

DRI Gold Seizure: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને DRIએ અબુ ધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી ₹1.33 કરોડથી વધુનું 24 કેરેટ સોનું જપ્ત કર્યું. ટૂર ઓપરેટર સહિત 3 લોકો સામે કાર્યવાહી, દાણચોરી નેટવર્કની તપાસ શરૂ…

Top Stories Ahmedabad
DRI Gold Seizure: સોનાની દાણચોરીનો પર્દાફાશ

Ahmedabad News: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી (DRI Gold Seizure) સામે કસ્ટમ્સ (Ahmedabad Airport Customs) વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સતત બે દિવસમાં મોટી કાર્યવાહી કરી છે. અબુ ધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી કુલ રૂ.1.33 કરોડથી વધુ કિંમતનું 24 કેરેટ શુદ્ધતા ધરાવતું 899.51 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે એક ટૂર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય મુસાફરોની પૂછપરછ ચાલુ છે.

DRI Gold Seizure: મહેસાણાના ટૂર ઓપરેટરે ગ્રાહકોને બનાવ્યા ‘કેરિયર’

કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ને મળેલી બાતમીના આધારે 21 જુલાઈએ અબુ ધાબીથી ફ્લાઇટ 3L111 મારફતે આવેલા (Abu Dhabi Gold Smuggling) એક ટૂર ઓપરેટર અને તેના ગ્રાહકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગ્રાહકોના કપડાંના ખિસ્સામાંથી 24 કેરેટ સોનાની ચેઇન, પેન્ડન્ટ અને મણકા મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ટૂર ઓપરેટરે જ પોતાના ગ્રાહકોને આ સોનું આપીને ભારત સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. આ કેસમાં 770.33 ગ્રામ સોનું, જેની અંદાજિત કિંમત રૂ. 1,13,85,477 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ટૂર ઓપરેટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દુબઈથી આવેલા મુસાફરોએ શર્ટના કોલરમાં સંતાડ્યું સોનું

22 જુલાઈએ DRIની બાતમીના આધારે કસ્ટમ્સે દુબઈથી ફ્લાઇટ 6E-1478માં આવેલા બે મુસાફરોની તપાસ કરી હતી. બંનેએ પોતાના શર્ટના કોલરની અંદર સોનાની પેસ્ટ ખૂબ ચાલાકીથી છુપાવી રાખી હતી.

કસ્ટમ્સની ટીમે આ પેસ્ટને પ્રોસેસ કરીને 24 કેરેટના ટીટી બારમાં ફેરવી હતી. બંને મુસાફરો પાસેથી 129.18 ગ્રામ સોનું, જેની કિંમત અંદાજે રૂ.19,48,034 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા મુસાફરોમાં એક મુંબઈનો અને બીજો મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

દાણચોરીના નેટવર્કની તપાસ શરૂ

કસ્ટમ્સ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે પકડાયેલા મુસાફરો માત્ર ‘કેરિયર’ તરીકે કામ કરતા હતા કે તેઓ દાણચોરીના મુખ્ય નેટવર્કનો ભાગ છે. ઉપરાંત, આ સોનું કોના માટે લાવવામાં આવી રહ્યું હતું અને તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ બહાર સોનું લઈને નીકળેલા મુસાફરોને નકલી પોલીસ દ્વારા લૂંટવાની ઘટનાના પગલે કસ્ટમ્સે એરપોર્ટ પર દેખરેખ વધુ કડક બનાવી છે, જેના પરિણામે આ મેગા ઓપરેશનમાં મહત્વની સફળતા મળી છે.


આ પણ વાંચો: કસ્ટમ્સ વિભાગે સુરત સેઝમાંથી રૂ. 200 કરોડનાં કૌભાંડનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, કસ્ટમ્સની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: “થાઇલેન્ડથી પાર્સલમાં મોકલાયું લાકડું;પણ અંદરથી જે નીકળ્યું તે જોઇને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ગયા!