tamilnadu news/ તમિલનાડુમાં મોટો ઉલટફેર! જાણો સીએમ વિજયના ફ્લોર ટેસ્ટ પહેલા તમિલનાડુમાં શું થયું?

Tamil Nadu વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા AIADMK ના 24 ધારાસભ્યોના જૂથે સીએમ જોસેફ વિજયની પાર્ટી TVK ને સમર્થન આપવાની જાહેરાત કરી.

NATIONAL India Trending
Tamil Nadu Politics News

Tamil Nadu Politics News: તમિલનાડુના રાજકારણમાં દરરોજ નવા અને રસપ્રદ વળાંક જોવા મળી રહ્યા છે. વિધાનસભામાં મુખ્યમંત્રી જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ના ફ્લોર ટેસ્ટના બરાબર એક દિવસ પહેલાં જ વિપક્ષ AIADMK (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ) માં મોટો બળવો ફાટી નીકળ્યો છે. AIADMK ના અસંતુષ્ટ જૂથે સત્તારૂઢ TVK સરકારને પોતાનું સમર્થન જાહેર કરતા રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

Tamil Nadu: DMK સાથે ગઠબંધનનો સખત ઇનકાર

AIADMKના વરિષ્ઠ નેતા સી.વી. ષણમુગમ અને એસ.પી. વેલુમણિના નેતૃત્વ હેઠળના ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે ષણમુગમે સ્પષ્ટ કર્યું કે, “અમે તાજેતરની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતનાર TVK ને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. એવો પ્રસ્તાવ પણ હતો કે અમે DMK ના ટેકાથી સરકાર બનાવીએ, પરંતુ અમારા મોટાભાગના સભ્યોએ તેનો સખત વિરોધ કર્યો હતો.” તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ૫૩ વર્ષથી AIADMK નું રાજકારણ DMK ના વિરોધ પર જ આધારિત છે, તેથી પાર્ટીના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને DMK સાથે જવાનો કોઈ જ પ્રશ્ન ઊભો થતો નથી.

વેલુમણિ બન્યા ફ્લોર લીડર

આ બળવાને કારણે AIADMK માં આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. બળવાખોર જૂથના ધારાસભ્યોએ એસ.પી. વેલુમણિને પોતાના ફ્લોર લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. વેલુમણિએ પાર્ટી નેતૃત્વ પર સીધા સવાલો ઊભા કરીને તાત્કાલિક ધોરણે ‘મહાપરિષદ’ (General Council) ની બેઠક બોલાવવાની માંગ કરી છે, જેથી પાર્ટીના વર્તમાન અને ભવિષ્ય અંગે ખુલીને ચર્ચા થઈ શકે.

આંકડાઓની રમત અને પક્ષપલટા કાનૂનની તલવાર

ચૂંટણી પરિણામો અને વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તમિલનાડુમાં ગઠબંધન અને બહુમતી માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યની કુલ ૨૩૪ બેઠકોમાંથી 108 બેઠકો જીતીને મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, જ્યારે બીજી તરફ AIADMK એ 47 બેઠકો જીતી હતી. હાલમાં AIADMK ના બે ભાગ પડી ગયા છે, જેમાં પૂર્વ સીએમ ઈ.પી.એસ. (EPS) પાસે ૨૩ ધારાસભ્યો છે, જ્યારે સી.વી. ષણમુગમના બળવાખોર જૂથ પાસે ૨૪ ધારાસભ્યોનું સમર્થન છે. બંધારણની ૧૦મી અનુસૂચિ હેઠળ પક્ષપલટા કાનૂન (Anti-Defection Law) ની વાત કરીએ તો, જો કોઈ જૂથ તેની કાર્યવાહીથી બચવા માંગતું હોય, તો તેમની પાસે પાર્ટીના કુલ ધારાસભ્યોમાંથી બે તૃતીયાંશ (2/3) બહુમતી હોવી જરૂરી છે. એટલે કે, AIADMK ના બળવાખોર જૂથને માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા ૩૨ ધારાસભ્યોની જરૂર પડશે.

મુખ્યમંત્રી વિજયનો મોટો નિર્ણય

રાજકીય ઉથલપાથલ વચ્ચે, નવી બનેલી TVK સરકારે લોકકલ્યાણને લગતો એક મોટો અને ઐતિહાસિક નિર્ણય પણ લીધો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના આદેશ અનુસાર, રાજ્યમાં ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી કુલ 717 દારૂની દુકાનોને આગામી બે સપ્તાહમાં જ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.

હવે સૌની નજર AIADMK ના હાઈકમાન્ડ અને આગામી ફ્લોર ટેસ્ટ પર ટકેલી છે. શું મુખ્યમંત્રી વિજય સરળતાથી બહુમતી સાબિત કરી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો: એક્ટર વિજય બન્યા તમિલનાડુના નવા CM, TVK સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર

આ પણ વાંચો: તમિલનાડુમાં નવી સરકાર પર સસ્પેન્સ! VCKએ વિજયની TVK સામે મૂકી મોટી શરત